Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નાણા ચૂકવાઇ જવાની ખાતરી બાદ હળવદ યાર્ડ ફરી ધમધમતુ થયું

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૮: સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા હળવદ માર્કેટ યાર્ડ કપાસ અને મગફળીથી સિઝનમાં છલકાઈ જતું હોય છે. અહીં હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ વિવિધ જણસી વેચવા માટે આવતા હોય છે. ત્‍યારે યાર્ડમાં આવેલી જલારામ ટ્રેડિંગ નામની પેઢીએ ૪૪ જેટલા કમિશન એજન્‍ટ અને વેપારીઓના ૨.૨૨ કરોડ રૂપિયા જણસી લીધા બાદ પણ ન ચૂકવતા કમિશન એજન્‍ટ અને વેપારીઓ રોષે ભરાયા હતા.જોકે આ પેઢીના માલિકને રૂપિયા અંગે કહેતા તેઓ દ્વારા કોઈ યોગ્‍ય જવાબ ન મળતા આખરે બુધવારથી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

બીજી તરફ માર્કેટ યાર્ડના બંધના ગઈકાલે બીજા દિવસે યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારી અને કમિશન એજન્‍ટો સાથે બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં તારીખ ૨૨/૧૧-સુધીમાં જે કમિશન એજન્‍ટના રૂપિયા નથી મળ્‍યા તેને મળી જશે તેવી યાર્ડ દ્વારા બાંહેધરી મળતા આજ થી એટલે કે શુક્રવારથી માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થશે. જોકે વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ જો ૨૨ તારીખ સુધીમાં જે કમિશન એજન્‍ટોને અને વેપારીઓને તેઓના લેવાના નીકળતા રૂપિયા ન મળે તો ત્‍યાર પછી અચોક્કસ મુદત માટે યાર્ડ બંધ રહેશે તેમ પણ જણાવ્‍યું હતું.

 

 

(11:30 am IST)