Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કચ્‍છની ૬ બેઠકો ઉપર ૫૫ ઉમેદવાર

ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ : સૌથી વધુ ૧૧ ઉમેદવાર રાપરમાં જ્‍યારે અંજારમાં સૌથી ઓછા ૭ ઉમેદવાર, ભુજ અને માંડવીમાં ઓવેસીની પાર્ટીના ઉમેદવાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮: વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી માટે કચ્‍છની ૬ બેઠકો ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. ૭૨ ઉમેદવારો પૈકી ૧૭ જણાએ ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે ૫૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ વખતે એક મહત્‍વનું પરિમાણ આમ આદમી પાર્ટીનું ઉમેરાયું હોઈ દરેક વખત કરતાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ સહિત ત્રણ પાર્ટીઓ સ્‍પર્ધામાં છે. એટલે જંગ ત્રિપાંખિયો ખેલાશે. દરેક બેઠક દીઠ વાત કરીએ તો અબડાસા બેઠકમાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના મામદ જત, આપના વસંત ખેતાણી સહિત કુલ ૧૦ ઉમેદવારો જંગ લડી રહ્યા છે. માંડવીમાં ભાજપના અનિરુદ્ધ દવે, કોંગ્રેસના રાજેન્‍દ્રસિંહ જાડેજા, આપના કૈલાસદાન ગઢવી સહિત કુલ ૮ ઉમેદવારો મેદાનમાં છે. ભુજમાં ભાજપના કેશુભાઈ પટેલ, કોંગ્રેસના અરજણ ભૂડિયા, આપના રાજેશ પિંડોરિયા સહિત ૧૦ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા રહેશે. અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા, કોંગ્રેસના રમેશ ડાંગર, આપના અરજણ રબારી સહિત કુલ ૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક ગાંધીધામ ઉપરથી ભાજપના માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસના ભરત સોલંકી, આપના બી.ટી. મહેશ્વરી સહિત કુલ ૯ જણાએ ચુંટણીમાં ઝુકાવ્‍યું છે. રાપરમાં ભાજપના વિરેન્‍દ્રસિંહ જાડેજા, કોંગ્રેસના ભચુભાઈ આરેઠીયા, આપના આંબાભાઇ પટેલ સહિત ૧૧ જણા વચ્‍ચે રસાકસી થશે. આ વખતે કચ્‍છમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએ ચુંટણી લડશે એવી ખુદ ઓવૈસીની જાહેરાત અને તેમના કચ્‍છ પ્રવાસ બાદ બે બેઠકો ભુજ અને માંડવીમાં એમના ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. ભુજમાં શકીલ સમા જ્‍યારે માંડવીમાં મહમદ ઇકબાલ માંજલિયા એઆઈએમઆઇએના ઉમેદવાર છે.

(11:32 am IST)