Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ચણા ઉગશે ઘણા : સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૧,૮૦,૧૫૭ હેકટરમાં વાવેતર

ઘઉંનું ૧,૧૬,૯૯૦ હેકટરમાં વાવેતર : રાજ્‍યમાં રાઇ, શેરડી, તમાકુની નોંધપાત્ર વાવણી : કુલ વાવેતર ૨૦.૩૫ ટકા

રાજકોટ તા. ૧૮ : ગુજરાતમાં અત્‍યારે રવિ (શિયાળુ) પાકના વાવેતરની મોસમ ચાલી રહી છે. અલગ અલગ વિસ્‍તારોમાં શિયાળા અને ચોમાસાના અલગ-અલગ પાક લેવાતા હોય છે. પાકની પસંદગીમાં જમીનની ફળદ્રુપતા અને પાણીની સુવિધા ધ્‍યાને લેવાતી હોય છે. સૌરાષ્‍ટ્રમાં જેમ ખરીફ પાક તરીકે કપાસ અને મગફળી મુખ્‍ય છે તેમ રવિ પાક તરીકે ઘઉં અને ચણા મુખ્‍ય છે. ઉપરાંત લસણ, જીરૂ વગેરે પણ વાવવામાં આવે છે. ગયા વખતની જેમ આ વખતે પણ સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ચણાનું ઉત્‍પાદન થાય તેવા સંજોગો છે.

સરકારી આંકડાઓ મુજબ ૧૪ નવેમ્‍બર સુધીમાં રાજ્‍યમાં પીયત ઘઉંનું ૧૦૧૮૦૪ હેકટરમાં અને બિન પીયતનું ૧૫૧૮૬ હેકટર મળીને કુલ ઘઉંનું ૧,૧૬,૯૯૦ હેકટરમાં થયું છે તે ટકાવારીની દૃષ્‍ટિએ ૮.૭૪ ટકા થાય છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં ચણાનું વાવેતર ૧૭૬૦૨ હેકટરમાં થયેલ. આ વર્ષે તોતીંગ વધારા સાથે ૧૮૦૧૫૭ હેકટરમાં (૨૩.૨૪ ટકા) થયું છે. અન્‍ય કઠોળ ૧૯૫૫૯ હેકટરમાં વાવવામાં આવ્‍યા છે.

રાજ્‍યમાં રાઇ ૧૮૧૩૭૩, શેરડી ૪૨૩૭૯, તમાકુ ૩૦૦૬૧, જીરૂ ૨૮૫૯૨, ધાણા ૩૨૨૧૦, લસણ ૬૫૩૯, જુવાર ૭૯૭૧, મકાઇ ૪૦૪૬૨ હેકટરમાં વાવવામાં આવી છે. શિયાળુ પાક સામાન્‍ય રીતે ૯૦ થી ૧૨૦ દિવસના હોય છે. ચણા ફેબ્રુઆરીમાં બજારમાં દેખાવા લાગશે. પાછોતરા વરસાદથી જ્‍યાં ડેમોમાં વધુ પાણી છે ત્‍યાં નજીકના વિસ્‍તારોમાં શિયાળુ પાક માટે વધુ અનુラકૂળતા રહેશે. ખેત ઉપજમાં પાણી ઉપરાંત કુદરતી વાતાવરણ પણ ભાગ ભજવે છે.

(11:56 am IST)