Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જસદણ બેઠક માટે કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં

 (ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૮ : જસદણ વિધાનસભા બેઠક માટે ગઇકાલે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

જસદણ બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના દિનેશભાઈ રાઠોડે તથા અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ભાલાળાએ ગઇકાલે તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે ભાજપના કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ, આમ આદમી પાર્ટીના તેજસભાઈ ગાજીપરા, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના શામજીભાઈ ડાંગર તેમજ અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણા તથા રમાબેન પ્રકાશભાઈ ગોરાસવા એમ કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

ફોર્મ પાછા ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ છતાં હવે જસદણ વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો જંગ વિશેષ રંગ લાવશે. જસદણ બેઠક માટે કુલ ૨૬૧ મતદાન મથક ઉપર કુલ ૨,૫૬,૩૪૫ મતદારો નોંધાયેલા છે. જસદણ વીંછિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવારો દ્વારા પ્રચાર જંગ ચાલી રહ્યો છે જોકે જસદણ શહેરમાં હજુ ખાસ કોઈ પક્ષ દ્વારા કે ઉમેદવાર દ્વારા મોટા પ્રમાણમાં પ્રચાર શરૃ કરવામાં આવ્યો નથી. જસદણ અને વિછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે જ્યારે જસદણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ ઉપરાંત જ્ઞાતિના સમીકરણો અને  ઉમેદવારોની વ્યકિતગત લોકચાહના વચ્ચે આગામી દિવસોમાં  જસદણ વીંછિયા પંથકમાં પ્રચાર જંગ પરાકાષ્ઠાએ પહોંચશે.

(11:39 am IST)