Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વિસાવદર ગીર જંગલ સહિતના માલધારીઓને મતદાન માટે લાંબુ અંતર કાપી મતદાન કરવા જવુ પડે તેવી દ્વિધાયુકત સ્થિતિ..?!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : ગિરના જંગલમાં વસતા માલધારીઓએ લાઇટ, પાણી, ગટર, વીજળી, મોબાઇલ, રોડ, શિક્ષણ સહિતની તમામ પાયાની સુવિધાઓથી વંચિત આ સમાજ એટલે કે, માલધારી સમાજ આજે પણ સામાન્ય લોકો કરતા અલગ સતત સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે.તેઓને મતદાન પ્રક્રિયામાં પણ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો છે.આ લોકોના રહેઠાણથી દૂર મતદાન મથકો સામાન્યરીતે એક કિ.મી.થી લઇ ર૦ કિ.મી.સુધી દુર હોવાની વાતો બહાર આવી રહી છે.જે સામાન્ય માણસોથી ગીર જંગલમા અલગ જીવન જીવે છે તેમને મતદાન કરવા માટે પણ પગપાળા કે,અન્ય રીતે અંતર કાપવું પડે છે.

વિસાવદર-તાલાલા-ઉના વિધાનસભા વિસ્તારના ગીર અભ્યારણ્યના નેસડાઓના માલધારીઓ માટે ગીર અભ્યારણ્યમાં મતદાન મથકો ઉભા કરવામાં આવી રહ્યા છે.જેમાં આ મતદારો-માલધારીઓ વયોવૃધ્ધ, બીમાર, અશકતોએ નેશડાથી દૂર મત આપવા જવું પડે છે. પાયાની  સુવિધાથી વંચિત એવા માલધારી મતદારોને મત આપવા માટે કહેવાય છે કે, એક કિલોમીટરથી ૨૦ કિ.મી. દૂર જાતે પગપાળા કે,અન્ય રીતે જવું પડે છે.

આ વખતે ચૂંટણીમાં વયોવૃધ્ધ મતદારોને મતદાન મથક સુધી ધકકા ન થાય તે માટે ખાસ ફોર્મ ભરી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે નવી પ્રણાલી શરૃ કરવામાં આવી છે. ગીર નેશના માલધારીઓ માટે પણ આવું જ કંઇ વિચારવામાં આવે તે જરૃરી છે.

બહાર આવેલ વિગતો અનુસાર વિસાવદર વિધાનસભા વિસ્તારમાં એક માત્ર કનકાઇ બુથ અભ્યારણ્યમાં ઉભુ કરવામાં આવે છે.કનકાઇથી ૧પ થી ર૦ કિ.મી.ના આસપાસના વિસ્તારમાં રહેતા ગોરવાડા, લીલાપાણી, સુપેડી અને કનકાઇથી ૩૦ કિ.મી. દૂર બારવાણીયા નેશના માલધારીઓને મત આપવા કનકાઇ સુધીનું અંતર કાપવું પડશે.ઉના વિધાનસભા મત વિસ્તારના અભ્યારણ્યમાં ૧૦ બુથ ઉભા કરવામાં આવે છે.જેમાં ૩૦૭૮ માલધારીઓને દૂર દૂર સુધી ધકકા થાય છે.તલાલા મત વિસ્તારના ૪ બુથમાં ૫૭૪ માલધારીઓને પણ પોતાના નેશથી દૂર મત આપવા જવું પડે છે.૧૫ મતદાન મથકો બનાવાશે.તાલાલા વિધાનસભા વિસ્તારના જંગલમાં દેવડીયા ખાતે મતદારો માટે દુધાળા નેશમાં ૧૯પ, કાસીયા નેશમાં ૩પ૪, જાવલડીમાં ર૩ મતદારો માટે મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ઉના વિધાનસભાના જંગલમાં ઘોડાવડી ખાતે ૬રપ, તુલસીશ્યામ ૪૦૬, જસાધાર ૬૩૦, ચીબલકુબા ૪પ૩, કોઠારીયા ૧૪૪, હડાાળા ૧૪૮, સાપનેશ ૧૧૨ અને બીલીમારમાં ૪ર મતદારો માટે અભ્યારણ્યમાં બુથ ઉભા કરવામાં આવશે ઉપરાંત વિસાવદર વિધાનસભામાં કનકાઇ ખાતે ૨૦૦ મતદારો માટે કનકાઇ ખાતે બુથ ઉભુ કરાશે.આમ કુલ ત્રણ વિધાનસભાના ૩૮પર માલધારી મતદારો માટે ૧પ મતદાન મથકો ઉભા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.સત્તાધિકારીઓએ ગીર જંગલમા વસવાટ કરતા માલધારી-મતદારો માટે મતદાન મથકોની ખરેખર કઈ રીતની વ્યવસ્થા કરવામા આવી છે તે અંગે માલધારી-મતદારોને ચૂંટણી પૂર્વે સત્તાવાર વિસ્તૃત  જાણકારી આપી તેની વાતો-સુચનોને ધ્યાને લેવા જોઈએ તેવી ગીર નેસડામા વસતા માલધારી-મતદારોમા લાગણી પ્રવર્તે છે.

(2:46 pm IST)