Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રવિવારે નરેન્દ્રભાઇ સોમનાથ મહાદેવના દર્શને : સૌરાષ્ટ્રમાં ૩ સભા

વેરાવળ, ધોરાજી, અમરેલીમાં જાહેરસભા ગજવશે : આઇજી મયંકસિંહ ચાવડાની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામતો જાય છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૨૦ને રવિવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને કરશે અને વેરાવળ, ધોરાજી તથા અમરેલીમાં જાહેરસભાઓ ગજવશે.

વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી સર્વત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : આગામી રવિવારે સોમનાથ દર્શન અને વેરાવળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભાને લઇ જૂનાગઢ રેન્જના આઇજી મયંકસિંહ ચાવડા દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ગત ઓકટોબર મહિનામાં રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કરી સભાઓ અને રોડ શો યોજીને ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા. ૧૯ થી ૨૧ નવેમ્બર ફરી સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે.

આ દરમિયાન શ્રી મોદી તા. ૨૦ને રવિવારના રોજ સોમનાથ દાદાના દર્શન કરી વેરાવળ ખાતે જાહેરસભાને સંબોધન કરશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રવિવારે સોમનાથ દાદાના દર્શન કરી જનસભાને સંબોધવાના હોય જૂનાગઢ રેન્જના આઇ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા ચુસ્ત અને લોખંડી બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે.  આ માટે આઇજી શ્રી ચાવડાએ ૭ એસપી, ૧૪ ડીવાયએસપી, ૩૦ પીઆઇ, ૮૦ પીએસઆઇ તેમજ ૧૪૦૦ પોલીસ જવાનો ઉપરાંત બે કંપની એસઆરપીના જવાનો તૈનાત કર્યા છે.

(2:00 pm IST)