Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સોમનાથ-વેરાવળ-પાટણ નગરપાલિકાનો આજે જન્‍મદિવસ

ભવ્‍ય ભૂતકાળ-અનેક ચઢતી પડતી-ગૌરવવંતો ઇતિહાસ-પ્રાચીન વિરાસતસમી નગરપાલિકાને ૭૪મું બેઠું

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૧૯ : સોરઠના પ્રાચીન ઇતિહાસના વારસાસમી વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનો આજે ૧૯ જાન્‍યુઆરીએ સાત દાયકાની સફર સાથે ૭૪માં વરસામાં પ્રવેશ થયો છે.

વેરાવળમાં જૂનાગઢ સ્‍ટેટ તરફથી તા. ૧-૯-૧૯૩૪ના રોજ શહેર સુધરાઇ આપવામાં તો આવી પરંતુ જેના પ્રમુખ તરીકે વેરાવળ પોર્ટ ઓફિસર બન્‍યા. અને બાકી સભ્‍યોનો પણ સ્‍ટેટ તરફથી નિમણુંક કરવામાં આવી. ૧૯૪૭માં દેશ સ્‍વાતંત્ર્ય થતાં ૧૯૫૦માં વેરાવળ પ્રજાકીય શહેર સુધરાઇ આપવામાં આવી. જેમાં ચુંટણી દ્વારા સભ્‍યોની પસંદગી થઇ જેના પ્રથમ પ્રમુખ તરીકે વકીલ હિરાચંદ કે.ગાંધીએ તા. ૧૯/૧/૫૦ના રોજ ચાર્જ સંભાળ્‍યો.

ત્‍યારે શહેરનો વિસ્‍તાર ૯.૬૫ ચોરસ કિલોમીટર હતો. અને વસ્‍તી ૭૫,૫૨૦ હતી જ્‍યારે આજે વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા વસ્‍તી પોતા બે લાખ જેવી છે.

૧૯૭૧માં પ્રભાસપાટણ નગરપાલિકાનું વેરાવળ સાથે જોડાણ થયું અને વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા બની.

નગરપાલિકાના ઇતિહાસમાં તત્‍કાલીન ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદનું વેરાવળના ગાર્ડનમાં ગાર્ડન પાર્ટી આપી ખાસ સન્‍માન કરાયું હતું.

પાલિકા અનેકવાર સુપરસીડ થઇ છે અને ૧૬ વખત વહીવટદાર શાસન આવી ચુકેલા છે. એક સમયે રાજયભરમાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં જ્‍યારે ભાજપનો કેસરીયો લહેરાયો હતો. ત્‍યારે એક માત્ર વેરાવળમાં જનજાગૃતિ મંચને તોતીંગ બહુમતી મળી હતી.

જેનું આヘર્ય રાજયભરમાં થયું હતું. વીતેલા ઇતિહાસમાં પાલિકા ચૂંટણીમાં કોઇને કોઇ વરસે એક જ પરિવારના પિતા-બે પુત્ર અને પુત્રવધુ ચૂંટણીમાં વિજેતાઓ બની પ્રમુખ-ઉપપ્રમુખ કે સભ્‍યપદે બિરાજી ચુક્‍યા છે.

ગાર્ડન-હિરણ-૨ ડેમ પાણી સુવિધા-લાયબ્રેરી જીમખાના, નવી કચેરી પૂર્વ શાસકોની ભેટ છે તો નગરપાલીકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ૧૯૯૮માં ભાનુબેન કુહાડા ચુંટાઇ આવેલ હતા.

વર્તમાન નગરપાલિકાએ ચૂંટણીમાં વિજેતા બન્‍યાની પ્રથમ બેઠકમાં જ નગરપાલિકાનું ‘સોમનાથ નગરપાલિકા' રાખવા ઠરાવ કરી સરકારને મોકલ્‍યો છે. નગરપાલિકા પાસે પ્રજાની ઘણી જ અપેક્ષાઓ છે અને સમસ્‍યા ઉકેલાય તેવી ઝંખના પણ છે.

સુધરાઇના તત્‍કાલીન પ્રમુખ રવિભાઇ ગોહીલને આજેય લોકો સંભારે છે કારણ કે કોઇ અરજદાર આવે કે સાંભળવું પછી પહેલા સરબત પછી અરજદારની વાત સાંભળે અને તેનો પ્રશ્‍ન ઉકેલાણો કે નહીં તે ફોનથી વારંવાર પૂછાવે.

(10:59 am IST)