Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જૂનાગઢમાં પૂ.શેરનાથબાપુના સાનિધ્‍યમાં શ્રીગોરક્ષનાથ આશ્રમે ભોજન,પ્રસાદ સાથે સેવાકાર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯: ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સિધ્‍ધ યોગી પૂ.શેરનાથબાપુના સાનિધ્‍યમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે દરરોજના હજારો ભાવિકોને પ્રેમથી પ્રસાદ ભોજન કરવામાં આવે છે અને આ સાથે જ અનેક વિવિધ ધાર્મિક કાર્યો, સેવાકીય કાર્યો અને ગૌસેવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. દુર દુરથી આવેલા ભાવિકો શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે પગ મુકતા જ દિવ્‍યતાની અનુભૂતિ કરે છે. અને પૂ.શેરનાથબાપુના દર્શન કરી અને ભાવવિભોર બની જતા હોય છે.

ભવનાથ તળેટી કે જ્‍યાં તિર્થોની નગરી અને અનેક ધાર્મિક સ્‍થળો સંત મહાત્‍માના દર્શનનો લહાવો ભાવિકોને મળે છે. દુર દુરથી ભાવિકો સંતોના દર્શનાર્થે અહીં આવતા હોય છે. તેમની મનની શાંતિ મેળવવા માટે પણ આવતા હોય છે. ગિરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી માતાજીના મંદિર ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિર અને વિવિધ ધાર્મિક સ્‍થળોની મુલાકાતે પણ જતા હોય છે.

ભવનાથ તળેટી વિસ્‍તારમાં જ શ્રી ગોરક્ષનાથ આશ્રમ આવેલો છે કે જ્‍યાં સિધ્‍ધ યોગી સંત પૂ.શેરનાથબાપુ બિરાજે છે અને ગુરૂ આજ્ઞા તેમજ ગુરૂ મહારાજના આર્શીવાદ સાથે અનેક વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. પરિક્રમાનો મેળો, શિવરાત્રીનો મેળો ચાલતો હોય ત્‍યારે ભાવિકોનો મહેરામણ અહીં ઉમટી પડે છે.

આ ઉપરાંત વર્ષના ૩૬૫ દિવસ કોઇ પણ જાતના ભેદભાવ વિના અહીં આવનારા ભાવિકોને આવકાર આપી અને પૂ.શેરનાથબાપુના દેખરેખ હેઠળ તેમના માટે પ્રસાદ ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવે છે. આશ્રમના ભાવિકો અને સેવક ગણ દ્વારા સતત ખડેપગે અહીં અને ભાવિકોની સુવિધા સાચવવામાં આવી રહી છે. હાલ ભવનાથ વિસ્‍તારમાં પ્રવાસી જનતા અને ભાવિકોની અવર જવર સતત રહી છે. રોજની સંખ્‍યાબંધ બસોમાં વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક શ્રધ્‍ધાળુઓ ભવનાથની યાત્રાએ આવી રહ્યા છે. અને અહીં આવનારા આ ભાવિકો અને પ્રવાસીઓએ શ્રી ગોરક્ષનાથ આશ્રમની આવશ્‍ય મુલાકાત લ્‍યે છે. પૂ.શેરનાથબાપુના દર્શન કરી અને પ્રસાદ ભોજનનો પણ લાભ લઇ રહ્યા છે.

(10:59 am IST)