Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વર્તમાન સમયમાં અનુભવાતી માનસિક તાણ વચ્‍ચે સ્‍વસ્‍થ કેમ રહેશો ? જાણો મનને મજબૂત બનાવતા સહજ અને સરળ ઉપાય

ભુજની જી.કે.જન.અદાણી હોસ્‍પિ.ના મનોચિકિત્‍સા વિભાગના તબીબનું આકલન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : આજે સુખ સગવડના સાધનો વ્‍યાપક બન્‍યા છે. તો, ડિજીટલ ટેકનોલોજીએ દુનિયાને નાની બનાવી દીધી છે. પરંતુ ભૌતિકવાદના વર્તમાન સમયમાં ક્‍યાંકને ક્‍યાંક માનસિક તાણ વધી છે. જોકે, માનસિક તાણથી બચવા માટે ના ઉપાયો પણ સરળ છે અને આપણી આસપાસ જ છે.

આ વિશે વધી માહિતી આપતાં ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્‍પિટલના મનોચિકિત્‍સા વિભાગના તબીબ કહે છે કે, ઘર, પરિવાર અને વ્‍યાપક સામાજિક સંગઠનો અને તેમના વચ્‍ચેના ઘનિષ્ઠ સંબંધો શારીરિક અને માનસિક રીતે વ્‍યક્‍તિને સ્‍વસ્‍થ બનાવે છે. જી.કે.જનરલના મનોચિકિત્‍સા વિભાગના હેડ અને પ્રોફે.ડાઙ્ઘ. મહેશ તિલવાણીએ અત્રે આવતા દર્દીઓને ટાંકીને કહ્યું કે, માનસિક સમસ્‍યા માટે સારવાર લેતા દર્દીઓ પૈકી મોટા ભાગના જયારે એકલા હોય અને એકલતા ભોગવતા હોય ત્‍યારે તેમને માનસિક રીતે વધુ અસર થાય છે. તેમને સામૂહિક રીતે પરસ્‍પર વાતો કરવા અને વિચારોની આપ-લે કરવાનું કહેવાયું અને તેમણે આ સલાહ અનુસરી જેથી તેમને ફાયદો થયો હતો.

તેમના જણાવ્‍યા અનુસાર સામાજિકᅠ સંગઠનો વચ્‍ચેની ઘનિષ્ઠતા અને રચનાત્‍મક કાર્ય માટે જોડાયેલી મંડળીઓની નિકટતા અને તેમના મજબૂત સંબંધો સાથે જોડાયેલી વ્‍યક્‍તિને વધુ સલામતી આપતા હોવાનું જણાયું છે.

સામાજિક સંગઠનો સાથે જોડાયેલી વ્‍યક્‍તિનું અનુબંધન જેટલું મજબૂત તેટલી વ્‍યક્‍તિની એકલતા કે પરેશાની ઓછી એટલું જ નહીં, વ્‍યક્‍તિ વઘુ પ્રવૃત્તિશીલ બની જતો હોવાથી તેની ખુશી પણ બેવડાઈ જાય છે, જે સરવાળે માનસિક સમસ્‍યાથી દૂર રહે છે. જોકે આ અંગે વૈશ્વિક સ્‍તરે અનેક સંશોધનો ચાલે છે.વ્‍યક્‍તિ સમાજનો જ એક ભાગ હોવાથી સમાજ સાથે ઘર અને પરિવાર સાથે જોડાયેલા રહેવું જરૂરી છે.

વધુમાં હાલમાં શિયાળાની ઋતુમાં શારીરિક પ્રક્રિયાઓ મંદ ગતિએ ચાલતી હોવાથી ડિપ્રેશન થવાની સંભાવનાને ટાળવા કસરત સાથે સામાજિક પ્રવૃત્તિ પણ કારગર નિવડે છે એમ તબીબે ઉમેર્યું હતું.

(11:00 am IST)