Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મીઠાપુર અને ઓખામાં તોતિંગ દરે વ્‍યાજ વટાવ કરતા વધુ ત્રણ શખ્‍સો સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા,તા. ૧૯ : ઓખા મંડળમાં રેલ્‍વે કોલોની કવાર્ટરમાં રહેતા અને મુળ ઓડીસા રાજયના વિશાખાપટ્ટનમ જિલ્લાના રાયગડા તાલુકાના રહીશ એવા સુરેશભાઇ શિવચરણભાઇ મહેર નામના ૩૫ વર્ષના યુવાને આરંભડા વિસ્‍તારમાં રહેતા છગનભાઇ કંસારા પાસેથી પાંચ ટકા વ્‍યાજના દરથી રૂપિયા ચાર લાખ લીધા હતા. જેની અવેજમાં તેમણે સોનાના ત્રણ તોલાના બે ચેન આપ્‍યા હતા. આટલુ જ નહીં ફરિયાદી સુરેશભાઇની સહીવાળા પાંચ કોરા ચેક પણ તેઓએ લઇ લીધા હતા.

આરોપી છગનભાઇ કંસારા સાથે તેમના પુત્ર વિશાલ દ્વારા ફરીયાદી સુરેશભાઇને મોતનો ડર બતાવી અને તેમની પાસેનું જીજે-૩૭ઇ-૫૭૬૦ નંબરનું એક મોટર સાયકલ તથા અન્‍ય એક મોટરસાયકલ તેમના નામે લોન ઉપર લેવડાવી પોતાના કબજામાં રાખેલુ હતું. જેના હપ્‍તા ફરિયાદી સુરેશભાઇ ભરતા હતા

આરોપી પિતા-પુત્ર દ્વારા રૂપિયા ચાર લાખના વ્‍યાજની મુળ રકમ સામે રૂપિયા ૧૨,૦૦,૦૦૦ વ્‍યાજ સહિત બળજબરીપૂર્વક કઢાવી લઇ, પૈસા પરત આપવા માટે સુરેશભાઇ મહેરને અવારનવાર દબાણ કરવામાં આવતુ હતું આમ, આરોપી શખ્‍સોએ બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા આ બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં વ્‍યાજ વટાવની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ઓખા મંડળના હમુસર ગામે રહેતા ચંદ્રેશસિંહ સાર્દૂરભા હાથલ નામના ૩ વર્ષના હિન્‍દુ વાઘેર યુવાને ઓખામાં કાર્બન સાોસાયટી વિસ્‍તારમાં રહેતા સંજયભાઇ જેન્‍તીલાલ  કનાડીયા નામના શખ્‍સ પાસેથી આજથી આશરે પાંચ વર્ષે પૂર્વે રૂપિયા ૫૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા તેના બદલમાં આરોપી સંજયભાઇએ બીઓબીના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. એટલુ જ નહીં એક બુલેટ મોટરસાયકલ પણ તેણે પોતાની પાસે રાખીને મુદ્દલના ત્રણ ટકાના દર મુજબ પ્રતિ માસના રૂા ૧૫૦૦ લેખો ૩૦ માસ સુધી રૂપિયા ૪૫,૦૦૦નું વ્‍યાજ પણ તેમણે વસૂલ કર્યું હતું

આરોપી શખ્‍સ દ્વારા હજુ પણ બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદી ચંદ્રેશસિંહનો કાંઠલો પકડી, બુલેટ મોટર સાયકલ પરત ન આપી, કોરા ચેકમાં રૂપિયા બે લાખ જેટલી રકમ ભરી અને બેંકમાં બાઉન્‍સ કરાવી, વધુ વ્‍યાજની માંગણી કરતા હોય, આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં પઠાણી વ્‍યાજ વસુલ કરવા સબબ ગુનો નોંધાયો છે.

(1:31 pm IST)