Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમેસ્‍ટર-૧ની પરીક્ષામાં કુલ ૩૫ કોપી કેસઃ કાલથી અનુસ્‍નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ

બી.એડ.તથા એલએલ.બી. સેમેસ્‍ટર-૧ની પરીક્ષાઓ પણ શુક્રવારથી ૨૨ કેન્‍દ્રો ઉપર લેવાશેઃ અઢી કલાકના એક એવા બે સેશનમાં કુલ ૮૪૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેઃ વિવિધ કેન્‍દ્રો ઉપર સ્‍કવોડ દ્વારા તથા સી.સી.ટી.વી. મોનીટરીંગ દ્વારા દેખરેખ રખાશે

જુનાગઢ તા.૧૯: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વિવિધ ૭૭ કેન્‍દ્રો ઉપર સેમેસ્‍ટર-૧ની રેગ્‍યુલર તથા એકસટર્નલ ઓફલાઇન બી.એ., બી.એ. (હોમ સાયન્‍સ), બી.કોમ, બી.બી.એ., બી.આર.એસની પરીક્ષાના આજે આઠમાં અને છેલ્‍લા દિવસે બે તથા કુલ ૩ કોપીકેસ થયા હતા પરીક્ષામાં કુલ ૨૯૪૫૨ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોમાં નોંધાયા હતા.

આઠમાં દિવસે વિસાવદર ખાતે એક તથા જુનાગઢ ખાતે એક કોપીકેસ કરવામાં આવ્‍યા હતા. કોપીકેસ કરાયેલા વિષયોમાં બી.કોમ.માં એકાઉન્‍ટીંગ-૧નો સમાવેશ થાય છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી, જુનાગઢ દ્વારા તા.૨૦ શુક્રવારથી વિવિધ ૨૨ કેન્‍દ્રો ઉપર અનુસ્‍નાતક કક્ષા, બી.એડ. તથા એલએલ.બી. સેમેસ્‍ટર-૧ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે. જેમાં એમ.એ, એમ.એ(હોમસાયન્‍સ), એમ.કોમ, એમ.એસસી, એમ.એસસી(હોમ સાયન્‍સ), એમ.એસસી.(આઇ.ટી.એન્‍ડ સી.એ.), એમ.એસ.ડબલ્‍યુ, એમ.આર.એસ., એલએલ.એમ., એમ.એડ, પીજીડીસીએ, એલએલ.બી., બી.એડ.નો સમાવેશ થાય છે. કુલ ૮૪૮૯ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે.

વિદ્યાર્થીઓ તંદુરસ્‍ત વાતાવરણમાં સ્‍વસ્‍થ ચિતે પરીક્ષા આપી શકે તે માટે તમામ કેન્‍દ્રો ઉપર તકેદારી રાખવામાં આવશે તેવું ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો(ડો.)ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્‍યુ હતું. દિવસ દરમ્‍યાન અઢી કલાકનું એક એવા બે સેશનમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષાના વિવિધ કેન્‍દ્રો ઉપર અનુભવી પ્રાધ્‍યાપકોની સ્‍કવોટ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સી.સી.ટી.વી.મોનીટરીંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.

(1:39 pm IST)