Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વિસાવદરના કાસીયા-સાસણ બંને નાકા એક કલાક અગાઉ બંધ કરવાનો વન વિભાગનો તઘલઘી નિર્ણયઃ પ્રજામાં ભભૂકતો રોષ

અત્‍યાર સુધી સાડા છ વાગ્‍યા સુધી અપાતો હતો પ્રવેશ, હવે સવા પાંચ બાદ પ્રવેશ બંધ કરી દીધો : ગીર-જંગલના ૧૪ કીમીના રસ્‍તા પર આવવા-જવામા લોકોને ભારે હાલાકી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ :  વિસાવદર-સાસણ બંને નાકા એક કલાક અગાઉ બંધ કરવાનો મનઘડત આદેશ વન વિભાગે કરતા અનેક લોકોને હેરાન થવું પડે છે.અત્‍યાર સુધી ૬:૩૦ વાગ્‍યા સુધી પ્રવેશ અપાતો હતો. હવે સવા પાંચ બાદ પ્રવેશ બંધ કરી દીધો છે. વિસાવદર શાસણ જંગલના ૧૪ કિલોમીટરના રસ્‍તા પર આવવા માટે અને બહાર નીકળવા માટેની બે ચેક પોસ્‍ટ આવેલી છે.અત્‍યાર સુધી કાસીયા અને સાસણ ચેક પોસ્‍ટ પર વન વિભાગ સાડા છ વાગ્‍યા સુધી નાકા પરથી અંદર પ્રવેશ આપતા હતા.હવે સાડા છ માંથી આ ટાઈમ અચાનક સવા પાંચનો કરી નાખવામાં આવ્‍યો છે.જે ટાઈમ હતો તેનાથી એક કલાક અગાઉ બંને ચેકપોસ્‍ટ બંધ કરવાનો નિર્ણય લેતા અનેક લોકોને દૂર દૂર સુધી ફરીને જે તે સ્‍થળે પહોંચવા મજબૂર બનવું પડે છે.જંગલ ખાતાના મનઘડત નિયમોના કારણે લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિસાવદર થી સાસણ જવા માટે કાસીયા ચેકપોસ્‍ટ આવે છે અને સાસણથી વિસાવદર તરફ આવવા માટે સાસણ ચેકપોસ્‍ટ આવે છે.આ બંને ચેકપોસ્‍ટ શિયાળામાં ૬:૧૫ થી ૬:૩૦ વાગ્‍યા સુધી લોકોને પ્રવેશ મળતો હતો. ૪૦ થી ૫૦ મિનિટમાં જે વાહન અંદર પ્રવેશે તે સામેના નાકા પર નીકળી જતુ હતું,પરંતુ અચાનક જ વન વિભાગે ૬:૩૦ વાગ્‍યા વાળો સમય સવા પાંચનો કરી નાખ્‍યો અને સવા પાંચ બંને નાકા પર એન્‍ટ્રી બંધ કરી દીધી..! આ નિર્ણયથી વિસાવદર-સાસણ-તાલાળા પંથકની પ્રજામાં ઉગ્ર રોષ ફાટી નીકળ્‍યો છે.આ રસ્‍તા પર પ્રવાસન સ્‍થળ તથા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાને જોડતો મુખ્‍ય માર્ગ છે.આ ઉપરાંત વિસાવદર પંથકના લોકો તાલાળામાં અને તાલાળા પંથકના લોકોને વિસાવદર સાથે રોજીંદો વ્‍યવહારિક નાતો છે ત્‍યારે વન વિભાગના આ નિર્ણયથી ઉગ્ર રોષ પ્રવર્તે છે.

(2:07 pm IST)