Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘કર્મ-નિર્વાણભૂમિ' બોટાદમાં ૭૪માં પ્રજાસત્તાક દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી નિમિત્તે રવિવારે લોકડાયરો

ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ધોડાદ્રા, રાધાબેન વ્‍યાસ, સંગીતકાર પંકજ ભટ્ટ, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ મહેશભાઈ ગઢવી તથા હાસ્‍યકાર હરિસિંહ સોલંકી રમઝટ બોલાવશે : નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્‍ય-સંગીત-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના- દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય ઉપક્રમે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ તા. ૧૯ : આઝાદીના અમૃત મહોત્‍સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ૭૪મા પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઊજવણી નિમિત્તે - ૨૨ જાન્‍યુઆરી ૨૦૨૩ ને રવિવાર રાત્રે ૯ કલાકે નાનાજી દેશમુખ અલડિટોરિયમ, સ્‍વામી વિવેકાનંદ સેવા સદન, બોટાદ નગરપાલિકા, સ્‍ટેશન રોડ ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્‍ય આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્‍ય-સંગીત-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય ઉપક્રમે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, અમદાવાદ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા પોલીસ તથા બોટાદ નગરપાલિકાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. 

ગુજરાતના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્‍યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ મહેશભાઈ ગઢવી ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે માહિતીસભર રસદર્શન કરાવશે. હાસ્‍યકાર હરિસિંહ સોલંકી, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન છે.

કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્‍યા, ભેટ્‍યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્‍યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ રઢિયાળી રાતમાંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્‍યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્‍વાદ-રૂપે રજૂ થશે.આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ પણ માણી શકાશે.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:58 pm IST)