Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કચ્છમાં ખેડૂતોએ બાગાયતી ખેતી ક્ષેત્રે કમાલ સર્જી : ખેડૂતો તાઇવાન પિંક જામફળની ખેતી તરફ વળ્યા

તાઇવાન પિન્ક નામની આ જામફળની પ્રજાતિ એવી છે કે વર્ષના કોઈ પણ સીઝનમાં ખેડૂતો તેનો પાક લઈ શકે: મોં માંગ્યા ભાવ પણ ઉપજે

કચ્છમાં ખેડૂતોએ બાગાયતી ખેતી ક્ષેત્રે અવનવા પ્રયોગ કરી ક્યારે વિચારી ન શકાય તેવા ફળ આ સૂકા વિસ્તારમાં ઉગાડી દેખાડ્યા છે. બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ દાડમની ખેતી શરૂ કરી હતી અને કચ્છને દાડમનો હબ બનાવ્યો હતો. તો હવે જિલ્લાના અનેક ખેડૂતો તાઇવાન પિંક જામફળની ખેતી તરફ વળ્યા છે અને જમ્બો સાઈઝના આ ગુલાબી જામફળ વાવી મોદીજીના સ્વપ્ન ખેડૂતની આવક બમણી થાય અને આત્મનિર્ભર બનીને લાખોની કમાણી કરી રહ્યા છે.

  શિયાળામાં બજારોમાં જામફળની મબલખ આવક થતી હોય છે. સમગ્ર દેશમાં એક સાથે દેશી જામફળનો માલ બજારોમાં આવતા તેના ભાવ ખૂબ ઓછા રહે છે. પરંતુ તાઇવાન પિન્ક નામની આ જામફળની પ્રજાતિ એવી છે કે વર્ષના કોઈ પણ સીઝનમાં ખેડૂતો પાક લઈ શકે છે. આ થકી ઓફ સીઝનના કારણે ખેડૂતોને પોતાના પાકના મો માગ્યા ભાવ મળી રહે છે. 

 કચ્છના ભુજ તાલુકામાં અનેક ખેડૂતોએ આ ગુલાબી જામફળની ખેતી શરૂ કરી છે. અન્ય દેશી જામફળનું હાર્વેસ્ટીંગ હજુ શરૂ થયું છે ત્યારે આ તાઇવાન પિંક જામફળનું હાર્વેસ્ટીંગ પૂર્ણ થઈ બજારમાં મળતા શરૂ થઈ ગયા છે. આ કારણે જ જ્યાં દેશી જામફળના પ્રતિ કિલો રૂ. 20 થી 30 ખેડૂતોને મળતાં હોય છે ત્યારે આ ગુલાબી જામફળના ખેડૂતોને કિલો દીઠ રૂ. 50 થી લઈને 130 સુધી મળી રહે છે. તો વળી આ વેરાયટી ના જામફળમાં એક એક ફળ 500 ગ્રામથી લઈને 1000 ગ્રામ સુધીના મળે છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેમાં એકર દીઠ પાંચથી છ ટન માલ ખેડૂતોને મળી રહ્યું છે. તો વળી આ જામફળને કોઈ પણ પ્રકારના પેસ્ટીસાઇડ અથવા જંતુનાશક દવાની જરૂર પણ ન પડતા આ સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી વડે તૈયાર થાય છે. જો કે, જામફળ પર જીવાત ન લાગે તે માટે ફૂલના ફૂટવાથી જ તેના પર પ્લાસ્ટિકની થેલી ચડવવામાં આવે છે. તેના 30 થી 35 દિવસ બાદ ફળ પાકીને પૂર્ણ આકારમાં આવતા તેના પરથી થેલી ઉતારવામાં આવે છે.

(7:35 pm IST)