Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગીર-સોમનાથમાં જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે એવાર્ડ ટુ ગુડ સમરીટન કાર્યક્રમ યોજાયો

માર્ગ સલામતી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપતા જિલ્લાના ૫ વ્યક્તિઓનું સન્માન કરાયુ

પ્રભાસ પાટણ: માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનાર પરોપકારી/મદદગાર વ્યક્તિઓને એવાર્ડ ટુ ગુડ સમરીટનથી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલી છે. જે અન્વયે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી સમીતી ખંડ, ગાંધીનગર ખાતેથી સ્કીમ ઓફ એવાર્ડ ટુ ગુડ સમરીટન નું રીલોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં જિલ્લા સેવાસદન ઇણાજ ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, કલેકટર રાજદેવસિંહ ગોહીલ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

   આ તકે પ્રમુખએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓને પ્રથમ કલાક માં વ્યક્તિને તાકીદની સારવાર મળી રહે તે માટે રાહદારીઓ/વાહનચાલકો અથવા કોઇ અન્ય વ્યક્તિ દ્વારા ગંભીર ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં પહોચાંડવામાં મદદરૂપ થવાની ઇજાગ્રસ્તોની અમુલ્ય જીંદગીનો બચાવ કરી શકાય છે. સરકારએ આવા વ્યક્તિઓને પુરસ્કૃત કરવાની યોજના અમલી બનાવી છે જે ધન્યવાદને પાત્ર છે.

કલેકટરએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતની સંખ્યા અને તેમા થતા માનવ મૃત્યુ તેમજ ગંભીર ઇજાઓના પ્રમાણ ઘટાડવાની દરેક જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓની નૈતિક જવાબદારી છે. જિલ્લામાં આ પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થતા વ્યક્તિઓને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ એ.આર.ટી.ઓ. વાઘેલાએ આ યોજનાની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને જે પરોપકારી/મદદગાર વ્યક્તિ મદદરૂપ બને તો તેમના માનવીય અભિગમ સાથેની મદદને બીરદાવા અને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવી છે. 

ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રતાપભાઇ ગોવિંદભાઇ પરમાર, મુકેશભાઇ મેઘજીભાઇ, હરેશભાઇ જીવાભાઇ બાંભણીયા, બાબુભાઇ દેવાભાઇ રામ અને ભગવાનભાઇ જેશાભાઇ બાંભણીયાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્કીમ ઓફ એવાર્ડ ટુ ગુડ સમરીટન યોજના અંતર્ગત પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ તકે અધિક કલેકટર બી.વી.લીંબાસીયા સહિત સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધીઓ, માર્ગ સલામતી સાથે સંકળાયેલ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 am IST)