Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગોંડલ પાલિકા ચૂંટણીના ૯૦ બુથમાંથી ૩૨ બુથ સંવેદનશીલ જાહેર

ગત પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જે જે વિસ્તારોમાં મારામારીના ગુન્હા નોંધાયા હતા તે વિસ્તારને આવરી લેવાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૧૯: ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના ૧૧ વોર્ડ અને ૪૪ બેઠક માટે ચૂંટણી આયોગ દ્વારા ૯૦ મતદાન મથક પૈકી ૩૨ બુથ ને સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ બૂથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે.

ગોંડલ નગરપાલિકામાં ૪૬૩૫૪ પુરુષ, ૪૩,૨૫૭ સ્ત્રી અને ૭ અન્ય મતદારો મળી કુલ ૮૯૬૧૮ મતદારોની સંખ્યા થવા પામી છે વોર્ડ નંબર ત્રણમાં ૧૦૧૩૨ સૌથી વધુ જયારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર નવ માં ૫૯૭૦ નોંધાયા છે.

ગત નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારના વિજયી સરઘસ દરમિયાન હારી ગયેલા ઉમેદવાર દ્વારા મારામારી કરવામાં આવી હોય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય જેને ધ્યાને લઇ ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર છ, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, દ્યણચોક, તાલુકા શાળા નંબર ૧૬, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ ૩૨ બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોકત તમામ ૯૦ બુથ ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. જરૂર પડ્યે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો વધારી દેવામાં પણ આવનાર છે.

(10:25 am IST)