Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જામનગર-ભાવનગરમાં સાંજે કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારના ભૂંગળા બંધ

રવિવારે મતદાન માટે બંધ બારણે બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર કરાશે : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

રાજકોટ તા. ૧૯ : તા. ૨૧ને રવિવારે જામનગર અને ભાવનગર સહિત રાજ્યની ૬ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે સાંજથી જાહેર પ્રચારના ભુંગળા બંધ થઇ જશે અને ઉમેદવારો દ્વારા બંધ બારણે બેઠકો તથા ડોર ટુર ડોર પ્રચાર કરવામાં આવશે.

કોર્પોરેશનની ચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર પણ સજ્જ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : તા. ૨૧ને રવિવારે જામનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. શહેરના ૧૬ વોર્ડ અને ૬૪ બેઠકો માટે આ ચૂંટણી જંગ જામ્યો છે.

આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો જંગમાં ઉતર્યા છે અને પ્રચાર - પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે.

પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણીનું તા. ૨૩ને મંગળવારે પરિણામ જાહેર કરાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : રવિવાર તા. ૨૧મીએ યોજાનાર ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયો છે. હવે રાજકીય પક્ષો બંધ બારણે બેઠક અને ડોર ટુ ડોર પ્રચાર કરશે. ભાવનગરના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો ઉપર ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે.  ભાવનગર મહાનગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાશે. આચારસંહિતાને કારણે આજે શુક્રવારે સાંજે ૬ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા હતા. આજે દિવસભર રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. સાંજે ૬ વાગ્યે પડઘમ શાંત થયા હતા. હવે બંધ બારણે રાજકીય બેઠકો થશે તેમજ ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે. આ વખતે રાજકીય માહોલ જામતો ન હોવાની ચર્ચા જાગૃત નાગરિકોમાં ચાલી રહી છે.

ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આપ, સીપીએમ સહિતના પક્ષોએ પ્રચાર માટે ઠેર ઠેર બેનરો લગાવી દીધા છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે.

ભાવનગરની ૫૨ બેઠકો માટે કુલ ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારોના કાર્યાલય પર હવે ટોળા જામી રહ્યા છે.

ભાવનગરમાં ૨.૭૦ લાખ પુરૂષો અને ૨.૫૪ લાખ સ્ત્રીઓ, અન્ય ૨૯ સહિત ૫.૨૫ લાખ મતદારો નોંધાયા છે. મતદાન વધુ થાય તે માટે તંત્ર પણ અપીલ કરી રહ્યું છે.

(11:01 am IST)