Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલામાં ઝડપાયેલા છ આરોપી જેલહવાલે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૯: મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘરે જઈને કોંગ્રેસ કાર્યકર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પોલીસે આઠ શખ્શો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં છ ઇસમોને દબોચી લેવાયા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા અને આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જેલહવાલે કરવામાં આવ્યા છે.

મોરબીમાં સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નંબર ૧ ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું જોકે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના દ્યરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈ કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતેએ આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જે બનાવ અંગે આઠ શખ્શો સામે ગુન્હો નોંધાયા બાદ પોલીસે ઇમરાન જેડો, વિપુલ અવાડીયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ એમ છને ઝડપી લીધા હતા અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે.

(11:32 am IST)