Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પોરબંદરઃ અન્ય પક્ષો સાથે હાથ મિલાવનારા પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ૧૧ આગેવાનો ભાજપમાંથી બરતરફ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯ :. અન્ય પક્ષો સાથે સંપર્કમાં રહીને હાથ મિલાવતા અને પક્ષના શિસ્ત નિયમ ભંગ બદલ પોરબંદર-છાંયાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા સહિત ૧૧ ભાજપના આગેવાનોને ભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

પોરબંદરની છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ૧૧ જેટલા આગેવાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકીટ ન મળતા અને અન્ય કારણોસર અન્ય પાર્ટીઓમાં જોડાઈ જતા ભાજપ પક્ષે આ તમામ ૧૧ આગેવાનોને બરતરફ કર્યા છે.

છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી જીવાભાઈ ભૂતિયા, પૂર્વ સુધરાઈ સભ્ય નરેશભાઈ થાનકી, સરમણભાઈ કોડીયાતર, રામગર ગોસ્વામી, ગુલાબગર ગોસ્વામી, નવઘણ રાતિયા, ડાયાભાઈ શીંગરખિયા, જયશ્રીબેન ગોહેલ, અજયભાઈ ગોહેલ, દીપેન ગોહેલ તથા અશ્વિન મોતીવરસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થાય તે પ્રકારની પ્રવૃતિ કરી હોવાથી ભાજપના તમામ હોદા ઉપરથી બરતરફ કર્યા છે. ભાજપના આ આગેવાનોમાંથી અનેકને ટીકીટ ન અપાતા અને અમુકને તેમના પરિવારના સભ્યોને ટીકીટ ફાળવી ન હોવાથી તેઓ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાયા છે અને તેના તરફથી નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપે તેઓને બરતરફ કરવાની કાર્યવાહી કરી છે.

(12:55 pm IST)