Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લુવારા પ્રકરણઃ સોમવારે એસપી કચેરીને ઘેરાવ કરવાનો કાર્યક્રમઃ અમરેલીમાં ૪ એસઆરપી કંપનીને ઉતારાઈ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૯ :. લુવારાના પ્રકરણમાં તા. ૨૨મીએ અમરેલી એસપી કચેરીએ ઘેરાવ કરી ન્યાયની માંગણી સાથે ઝંડા અને ડંડા લઈ આવવાના કરણી સેનાના શ્રી રાજ શેખાવતએ વાયરલ કરેલ વિડીયો અને તેના સમર્થનમાં વિવિધ લોકો દ્વારા અમરેલી ઉમટી પડવા માટે કાઠી ક્ષત્રિય સમાજને કરાયેલી અપીલને પગલે અમરેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે અમરેલીમાં એસઆરપીની ચાર કંપનીઓ ઉતારવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

જાણવા મળતી માહિતી અનુસાર ૨૨મીએ સોમવારે બપોરે ૩ વાગ્યે એસપી કચેરીને ઘેરાવ કરવાનો કાર્યક્રમ સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ થયો છે. નવાઈની બાબત એ છે કે આજ સુધી આ કાર્યક્રમ અંગે સોશ્યલ મિડીયામાં જ ઓડીયો અને વિડીયો કલીપના માધ્યમથી અનુરોધ કરાઈ રહ્યો છે.

અમરેલીમાં ભૂતકાળમાં ઉનાકાંડમાં થયેલા આંદોલન વખતે પોલીસ અને આંદોલન કાર્યો વચ્ચે થયેલા ઘર્ષણમાં અમરેલીના આશાસ્પદ પોલીસ કર્મચારી શ્રી પંકજ અમરેલીયાનું મૃત્યુ નિપજ્યુ હતુ અને આંદોલનકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો. આવી ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ૨૨મીના અમરેલીમા મોટી સંખ્યામાં ન્યાયની માંગણી માટે અને ઘેરાવ માટે કાઠી ક્ષત્રિય સમાજ તથા તેના સમર્થનમાં વાલ્મિકી અને ભરવાડ સમાજ ઉમટી પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલીમાં એસઆરપીની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે. જેમાની એક કંપની આજે રાત્રે આવી પહોંચવાની છે અને બીજી શનિવારે અને બાકીની બે ત્યાર બાદ આવી પહોંચશે. દરમિયાન આજરોજ ગુરૂવારે અમરેલી પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમાર્થી લોકરક્ષક માટે વિવિધ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતુ અને તેમા ગેરકાયદેસર ટોળુ વિખેરવા વજ્ર વાહન અને વરૂણ વાહનના ઉપયોગ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

અમરેલી પોલીસે અમરેલી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ તેમજ સંપૂર્ણ શહેરને કવર કરતા સીસીટીવી કેમેરા લગાડેલ છે. શહેરના તમામ જાહેર રસ્તાઓ પર લોકોની હરકતોની દેખરેખ રાખવા માટે સીસીટીવી મોનીટર સેલ બનાવવામા આવેલ છે. આ મોનીટર સેલ દ્વારા આજે સીસીટીવી કમાન્ડ કંટ્રોલમાંથી લોકો ઉપર વોચ રાખી, અલગ અલગ ટીમને જાહેર રસ્તાઓ ઉપર ગોઠવીને વાહન ચેકીંગ તેમજ ટ્રાફિકનું નિયમન કરવામાં આવેલ છે.

(12:55 pm IST)