Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ઢોલ ધ્રબુકયા, લગ્ન ગીતો ગવાયાના બીજા જ દિવસે મરશીયા ગવાયા

લગ્નના બીજા જ દિવસે જોડીયા જસાપરના સાવનની જિંદગી પુરી

બેભાન થયા બાદ દમ તોડ્યોઃ મૃતદેહનુ઼ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૯: જિંદગીની સફરનો ગમે ત્યારે અંત આવી જતો હોય છે. જોડીયાના જસાપર ગામે રહેતાં સાવન કાલીદાસભાઇ ટિલાવત (ઉ.વ.૨૮) નામના યુવાનનું લગ્નના બીજા જ દિવસે એટલે કે ગઇકાલે સાંજે ઘરે બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જે દિકરાના લગ્નના આગલા દિવસે ઢોલ ધ્રબુકયા હોઇ તેના જ બીજા દિવસે મરશીયા ગાવાની વેળા આવતાં સ્વજનો હતપ્રભ થઇ ગયા હતાં.

મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સાવન એક બહેનથી મોટો હતો અને પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતો હતો. હજુ પરમ દિવસે બુધવારે જ તેના રાજકોટની યુવતિ સાથે રંગેચંગે લગ્ન સંપન થયા હતાં. તેના પિતા કાલીદાસભાઇ મંદિરમાં સેવાપૂજા કરે છે. એકના એક, યુવાન દિકરાનું તેના લગ્નના બીજા જ દિવસે મૃત્યુ નિપજતાં ટિલાવત પરિવારના સભ્યો હીબકે ચડી ગયા છે. અનેક અરમાનો સાથે સોળે શણગાર સજી સાસરે આગમન કરનારી નવોઢાની હાલતનું સ્વજનો વર્ણન પણ કરી શકે તેમ નથી. મોતનું કારણ જાણ્યા બાદ જોડીયા પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(12:57 pm IST)