Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દેવભૂમિ દ્વારકા પાલિકાના અપક્ષ ઉમેદવાર વત્‍સલ ગોંડલીયાએ પહેલા લગ્ન માટે આશિર્વાદ લીધા બાદ બીજા દિવસે ચૂંટણી જીતવા આશિર્વાદ લીધા

દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વત્સલ ગોંડલીયાએ દાવેદારી કરી છે. ચૂંટણી પ્રચાર વચ્ચે ગઈકાલે વત્સલ ગોંડલીયાના લગ્ન યોજાયા હતા. જોકે, લગ્નની હળદર પણ ઉતરી ન હતી ત્યાં વત્સલ ગોંડલીયા બીજા જ દિવસે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજે તેમણે મિત્રો સાથે સાયકલ પર પ્રચાર કર્યો હતો. એક દિવસ પહેલા તેમણે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ગઈકાલે તેમણે વડીલોના આર્શીવાદ લઈને લગ્નજીવનની શરૂઆત કરી હતી, તો આજે તેમણે વડીલોના આર્શીવાદ લઈને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ચારના અપક્ષ ઉમેદવાર વત્સલ ગોંડલીયાએ દાવેદારી નોંધાવી હતી. આજે સવારે સાયકલ પર સવાર થઈને તેમણે મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો છે. મહત્વનું છે કે, વત્સલ ગોંડલીયાએ હજી ગઈ કાલે પ્રભુતામાં પગલાં માંડીને લગ્ન જીવનની શરૂઆત વડીલો અને તેમના સ્વજનોના આશીર્વાદ સાથે કરી હતી. ત્યારે આજે બીજા જ દિવસે માતા પિતાના આશીર્વાદ મેળવી ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા.

આજે સવારે વત્સલ ગોંડલીયા સાયકલ પર સવાર થઈને વોર્ડ નંબર 4 માં પ્રચાર કરવા નીકળી પડ્યા હતા. વત્સલ દ્વારકામાં યુવા ચહેરો છે અને આજે તેઓ મતદારોને રીઝવવા સાયકલ પર નીકળી પડ્યા છે. હવે વોર્ડ નંબર ચારના રહીશોના આશીર્વાદ મેળવી ખંભાળીયા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવવા માંગે છે. તેઓ જન પ્રતિનિધિ બની લોકોની સેવા કરવા માંગે છે. લોકોને અકર્ષતા મુદ્દાઓને લઈ સ્વદેશી વાહન એવા સાયકલ પર સવાર થઈને પ્રચારની શરૂઆત કરી હતી.

તેઓ કહે છે કે, જેટલા મારા માટે લગ્ન મહત્વના હતા, તેટલું જ મહત્વનું ઈલેક્શન પણ છે. તેથી હવે હું મારો સમય ચૂંટણી પ્રચારમાં કાઢીશ. મારી જીવનસંગીની પણ તેમાં મને મદદ કરશે.

(5:02 pm IST)