Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કચ્છમાં વાવાઝોડાની અસર: ક્યાંક ઝાપટા તો ક્યાંક એક ઇંચ વરસાદ, છાપરા ઉડ્યા, બાગાયતી પાકોને નુકસાન *તલ ગામે મદરેસાના છાપરા ઉડ્યા, નલિયામાં વીજ થાંભલો પડી જતાં લાઈટ ગુલ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છમાં તોકતે વાવાઝોડાને કારણે વરસાદ, ભારે પવન ની અસર જોવા મળી હતી. જોકે, સૌરાષ્ટ્રના પ્રમાણમાં કચ્છમાં તોકતેની અસર  ઓછી વરતાઈ હતી. પણ, તેમ છતાંયે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સાથે વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે વત્તે ઓછે અંશે નુકસાનીની અસર બહાર આવી રહી છે. ખાસ કરીને ભારે પવનને કારણે કચ્છમાં કેસર કેરી, દાડમ, ખારેક અને જાંબુ ના પાકને વધુ નુકસાન થયું છે. બાગાયતી પાક માટેના હબ ગણાતા માંડવીના દેવપુર, ગઢશીશા, મઉ પંથકમાં તેમ જ અંજારના ખેડોઈ પંથકમાં કેસર કરી, હાફૂસ તેમ જ દાડમ અને જાંબુનો ફાલ ખરી પડ્યો છે. જોકે, એરંડા અને બાજરીના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે. ભારે પવનની નખત્રાણા અને નલિયા પંથકમાં પણ અસર વરતાઈ હતી. નખત્રાણાના મંજલ, માધાપર, વિરાણી, નાની અરલ, ધીણોધર પંથકમાં ભારે પવનથી છાપરા ઉડ્યા હતા. તો, તલ ગામે મસ્જિદ પાસે આવેલ મદરેસા માં છાપરા ઉડ્યા હતા. જ્યારે સમગ્ર કચ્છના દસે દસ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં અને વરસાદી માહોલ વચ્ચે રાપરમાં એક ઇંચ અને ભચાઉમાં અડધો ઇંચ વરસાદ પડ્યો.

(9:59 am IST)