Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હાય હાય... વાવાઝોડા પછી ૧૮ સિંહ ગુમ

ગુમ થયેલા વનરાજોને શોધવા વન વિભાગ સર્વે હાથ ધરશે : આ સિંહ અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ગુમ થયા છે

નવી દિલ્હી તા. ૧૯ : તૌકતે વાવાઝોડાએ માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા ૧૮ સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જયાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી.

વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના મહુવા તાલુકામાંથી ૧૮ સિંહ ગુમ થયા છે. આ ત્રણ જિલ્લાઓ આશરે ૪૦ જેટલા સિંહનું ઘર છે.

જયાં એક તરફ ગુમ થયેલા પ્રાણીઓ અંગે આશંકા હતી, ત્યારે ઘણાએ આશા વ્યકત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે. હકીકતમાં, સૌરાષ્ટ્ર-જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે-તે વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, વન વિભાગ તે તમામ ૬૭૪ સિંહનો વિસ્તૃત સર્વે કરશે, જેમની ગણતરી છેલ્લે ૨૦૨૦માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી.

'તૌકતે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના મોટાભાગના દરેક જિલ્લાઓને નુકસાન પહોંચાડ્યું છે. ફોરેસ્ટ બીટ ગાર્ડ્સ અને અધિકારીઓને તમામ ૬૭૪ સિંહ વિશે જાણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેની ગણના ૨૦૨૦ યોજાયેલી અનૌપચારિક વસ્તી ગણતરીમાં કરવામાં આવી હતી', તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

નિષ્ણાતોનું કહેવું હતું કે, ભૂતકાળમાં પૂરથી બચવા માટે સિંહો પહાડ ચઢી ગયા હોય અથવા ઉંચી સુરક્ષિત જગ્યાએ ગયા હોય તેવું બન્યું હતું. '૨૦૧૫માં અમરેલીમાં આવેલા પૂર દરમિયાન ૨૦ સિંહ ગુમ થયા હતા. જેમાંથી ૧૪ મૃત્યુ પામ્યા હતા જયારે બાકીના ટેકરીઓ પર બેઠેલા જોવા મળ્યા હતા', તેમ વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

જો કે, સ્થાનિક નિષ્ણાતો ચિંતિંત હતા કે, શું સિંહ અત્યંત તીવ્ર વાવાઝોડા જેવી મોટી પ્રતિકૂળ ઘટનાને સમજવા માટે સજ્જ હશે. 'આવી કુદરતી આફત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાગ્યે જ આવી છે. તેથી સિંહ કેવું વર્તન કર્યું હશે તે અંગે ખાતરી નથી', તેમ સિંહ નિષ્ણાતે કહ્યું હતું.

(10:59 am IST)