Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભુજ નગરપાલિકાની પ્રથમ વર્ચ્યુઅલ સામાન્ય સભા : ૩૨ નગરસેવકોએ ભાગ લીધો

૨૭ કરોડની પુરાંત, રાજકોટ કમિશનર કચેરી અને અગ્નિશમન અધિકારી ફાયર સેવા વધારવા માટે નવી ભરતીની પસંદગી સમિતિના આમંત્રિત સદસ્ય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : સરકારશ્રીના આદેશ અનુસાર કોવીડ ગાઈડ લાઈનનું પાલન કરી ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા વર્ચ્યુઅલી ગુગલમીટના માધ્યમથી યોજાઈ હતી. પ્રથમ વખત જ વર્ચ્યુઅલ સામાન્ય સભા હતી, પણ તેની શરૂઆત અને ઠરાવ, ચર્ચા તમામ નિયમિત સામાન્ય સભા અનુસાર થયા હતા.

નગરપતિ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરે પાલિકા ઓફિસમાંથી જયારે અન્ય સદસ્યોએ પોત પોતાના ઘેરથી વર્ચ્યુઅલી જોડાઈને સામાન્ય સભામાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના ત્રિમાસિક અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ ૩૧ માર્ચના કલોઝિંગ બેલેન્સ ૨૭ કરોડ ૩૧ લાખ હોવાનું જણાવાયું હતું.

સરકારના આદેશ અનુસાર ફાયર સેફટી માટેની સેવાઓ વધારવા અંતર્ગત ૨૧ જગ્યાઓ મંજૂર કરાઈ છે. જેની ભરતી માટે નિયામકશ્રી, અગ્નિનિવારણ સેવાઓ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા સુચવ્યા પ્રમાણે ભરતી બઢતીના નિયમોમાં શારીરિક કસોટીના ધોરણોમાં ફેરફાર કરવાના ઠરાવ નું વાંચન અને બહાલી આપવામાં આવી હતી.

નવી ભરતીની આ પસંદગી સમિતિમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ અધ્યક્ષ તરીકે રહેશે તેમની સાથે સભ્ય તરીકે ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, ચીફ ઓફિસરને ઉપરાંત પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રતિનિધિશ્રી રાજકોટ ઝોન આમંત્રિત સભ્ય તરીકે તેમ જ અગ્નીશમન સેવાના તજજ્ઞ તરીકે રાજકોટના પ્રાદેશિક અગ્નિશમન અધિકારીની આમંત્રિત સભ્ય તરીકે રહેશે. પ્રમુખસ્થાનેથી હમીરસર તળાવની પ્રોટેકશન વોલના રીપેરીંગ કામ માટે રૂપિયા પોણા આઠ લાખ મંજૂર કરાયા છે.

નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે વર્ચ્યુઅલ સભામાં જોડાયેલા ૩૨ પાલિકા સદસ્યોનો આભાર માન્યો હતો. જોકે, અન્ય ૧૨ સભ્યો જોડાયા નહોતા. ભુજ પાલિકામાં કુલ ૪૪ નગરસેવકો છે. આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી તેમજ કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસે ચર્ચામાં ભાગ લઈ ઉપયોગી સૂચનો કર્યા હતા.

(11:24 am IST)