Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ચોટીલામાં ૩ાા ઇંચ વરસાદ : વાવાઝોડુ અન્યત્ર ફંટાતા હળવી અસર થઇ : ૬૦ થાંભલા ધરાશાયી

ચોટીલા તા.૧૯ : સૌરાષ્ટ્રના કેન્દ્ર બિંદુ એવા યાત્રાધામ ચોટીલા પંથક વાવાઝોડાના મુખ્ય રૂટ ઉપર હતો વિસ્તારનાં ૩૦ ગામો હાઇ એલર્ટ જાહેર કરાયેલ પરંતું વાવાઝોડું બોટાદથી લીંબડી ફંટાતા હળવી અસર પોહચી છે

ગત રાત્રીના બે વાગ્યા બાદ જોરદાર પવન અને વરસાદના ઓછાયા નીચે ચોટીલા તાલુકો ઘેરાયો હતો જેની અસર સવારે જોવા મળેલ હતી.

તાલુકાનાં આણંદપુર અને ઠાંગા વિસ્તારમાં નાના મોટા ઝાડો તુટી પડતા રસ્તાઓ બ્લોક થયા હતા ચોટીલા જસદણ જતા મુખ્ય રોડ ઉપરના વાહાન વ્યવહારને અસર પહોંચેલ, તેમજ અનેક ગ્રામ્ય માર્ગોને પણ અસર થયેલ છે. અનેક કાચા મકાનોને નુકશાન થયેલ છે. છાપરા અને નળીયા પણ ઉડ્યાના બનાવ બનેલ છે.

ચોટીલા શહેરની એક સરકારી શાળામાં વૃક્ષ તુટી પડેલ એક શાળાની દિવાલો કરો મુખ્ય બજારમાં આવેલ સૌ પ્રથમ સ્ટુડીઓ મનાતી દુકાનનો આગળનો નળીયા વાળો ભાગ તુટી પડેલ છે. છત્રીચોકથી મોચી બજાર તરફ જવાના રસ્તા ઉપર બે જુના બાંધકામ વાળી બે દુકાનો પણ ભય જનક બનેલ છે.

વાવાઝોડાના ખતરનાક ખોફ વચ્ચે વીજ વિભાગને નુકશાન પહોચેલ છે ૬૦ થી વધુ થાંભલાઓ પડી ગયા છે, લાઇન વાયરો તુટ્યા છે, અનેક વિસ્તારોમાં પાવર સપ્લાયને અસર પહોંચી છે. સદનસીબે કોઇ મોટી ખાના ખરાબી કે જાનહાનિ નો બનાવ બનેલ નથી.

શહેર અને તાલુકાના ૭૦૦ જેટલા લોકો ને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવેલ હતા અને તૌકતેની અસર થઈ રોડ રસ્તાઓ ઉપર તુટી પડેલ વૃક્ષો દુર કરવાની સઘન કામગીરી ડે. કલેકટર આર. બી. અંગારી, મામલતદાર પી એલ. ગોઠી, ટીડીઓ વી. આર. બારોટ, ચીફ ઓફિસર નિકુંજભાઈ વોરા, આર એન. બી ટીમ, ફોરેસ્ટ વિભાગ એનડીઆરએફ ની ટીમના જવાનોએ ગણતરીની કલાકોમાં કરીને પંથકના રોડ રસ્તાઓ પૂર્વરત કરાવેલ છે.

(11:27 am IST)