Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોડીનારમાં વાવાઝોડું ૧૩૦ કિ.મી.ની સ્પીડે ત્રાટકયું : સેંકડો વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ઠપ્પ : અનેક મકાનોના છાપરા - નળીયા ઉડયા : દરિયાકાંઠે અનેક મકાનો ધરાશાયી : સદ્નસીબે મોટી જાનમાલની જબરી નુકસાની ટળતા રાહતનો શ્વાસ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે કોડીનાર થી ૪૦ કી.મી.દૂર આવેલ ઉના માં ટકરાતા તેની અસર સ્વરૂપે કોડીનારમાં ૧૩૦ કી. મી.ની સ્પીડે ભારે તોફાની પવન ફૂંકાતાં કોડીનાર તાલુકામાં સેંકડો વૃક્ષ, વીજ પોલ ધરાશાઈ થતા કોડીનાર તાલુકાનો વાહન વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાતા લોકોને પારાવાર મુશ્કેલ નો સામનો કરવો પડ્યો હતો.જો કે સદનસીબે ભારે પવન છતાં કોઈ મોટી જાનમાલની નુકશાની ન થતા તંત્ર અને તાલુકા ના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો. ખેતરોમાં મોટા ભાગ ના ખેતીના પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે, તેમજ કેસર કેરીના પાકનો સોથ વળી જતા કેરી ખરી જતા કેરીના બાગ માલિકો અને ઈજારદારોની હાલત ભારે કફોડી બની છે.તેમજ કોડીનાર તાલુકાના બંદર વિસ્તારો જેવા કે કોટડા, માઢવડ, મૂળ દ્વારકામાં ભારે પવન અને રાક્ષસી મોજાની થપાટથી અનેક મકાનો ધરાશાઈ થયા છે. તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારોમાં અનેક મકાનોના પતરા ઉડી જવા પામ્યા છે. અને શહેરી વિસ્તારોમાં પણ અનેક જુનવાણી મકાનોના નળીયા છપરા પતંગોની જેમ હવામાં ઉડ્યા હતા. અનેક ઠેકાણે દુકાનોના બોર્ડ હોર્ડિંગ પડી ગયા હતા. શહેરમાં નવી બનેલી કોવિડ હોસ્પિટલમાં અને સ્થળાંતર કરાયેલ પોલીસ સ્ટેશન જવાના માર્ગ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થવાના કારણે આવવા જવાનો રસ્તો બંધ થતાં પોલીસ તંત્ર અને કોવિડ હોસ્પિટલ ની હાલત પણ દયનિય બની હતી,જો કે તાત્કાલિક અસર થી વૃક્ષો દૂર કરી રોડ ચાલુ કરાયો હતો. તેમજ અનેક સ્થળોએ વૃક્ષો અને વિજપોલ ધરાશાઈ થવાના કારણે ૪૫ જેટલા ગ્રામ્ય વિસ્તારોને કોડીનાર તાલુકા સાથે જોડતા મોટા ભાગ ના રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થતા એન.ડી.આર.એફ. અને આર.એમ.ડી.વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી છે. કોડીનાર શહેરમાં પણ અનેક સોસાયટી વિસ્તારોમાં વીજ પોલ પડી જવાના કારણે કોડીનાર શહેરમાં છેલ્લા ૨૪ કલાક થી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. કોડીનાર શહેર અને તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ જતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો પૂર્વરત કરવા ભારે દોડધામ આદરી છે. કોડીનારમાં અંદાજિત ૧૩૦ કી. મી.ની ઝડપે પવન ફૂંકાતા પણ પવન સાથે ભારે વરસાદ ન હોવાના કારણે મહદ અંશે મોટા નુકશાન માંથી બચી ગયા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કોડીનાર તાલુકામાં વાવાઝોડાને ધ્યાને લઇ મામલતદાર ટી.ડી.ઓ.પોલીસ તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાઉન્ડ ધ કલોક ખડેપગે રહી બચાવ કામગીરી કરી રહ્યા છે. કોડીનાર તાલુકામાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી આફતનો ચિતાર મેળવવા રાજય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી જઇ નુકશાનીનો ચિતાર મેળવી આંખે દેખો હાલ નો રિપોર્ટ મુખ્યમંત્રીને દર્શાવી તેમને પણ કોડીનારની પરિસ્થિતિ થી વાકેફ કર્યા હતા. આ તકે હાજર રહેલા કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમારે સમગ્ર વિસ્તારમાં બાગાયતી પાકો જેવા મેં કેરી, કેળા, નારિયેલી તેમજ ઉનાળો પાકો મગ અડદ તલના પાકોને થયેલ મોટા પ્રમાણમાં નુકશાન ની મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે વિસ્તૃત ચર્ચા કરી નુકસાનીનો સર્વે કરી જરૂરી સહાય ફાળવવા માંગ કરી હતી.

(11:28 am IST)