Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

દેરડી (કુંભાજી) ગામે હજારો પક્ષીઓના મોત

ગોંડલ,તા. ૧૯: ગોંડલના દેરડી(કુંભાજી) ગામે તૌકતે વાવાઝોડાની અસરે જાણે રીતસરનો હાહાકાર મચાવ્યો  છે.વાવાઝોડાને લઈને વૃક્ષો, વિજપોલ, છાપરા, સોલાર પેનલો ધરાશય થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે.જયારે તોફાની ફૂંકાયેલા પવન સાથે પડેલા વરસાદની સાથે ધરાશય થયેલા વૃક્ષો અને વૃક્ષોમાં વસવાટ કરતા ચકલી,બગલા ઉપરાંત કબૂતરો સહિતના અનેક પક્ષીઓના મોત નિપજયા છે.દેરડી(કુંભાજી) ગામે રહેતા પક્ષી પ્રેમી ઉમેશભાઈ વશરામભાઈ કાવઠીયાના ઘરે વસવાટ કરતી ૩૦૦૦ ચકલીઓમાંથી ૫૯૩ જેટલી ચકલીઓના વાવાઝોડાને કારણે મોત નિપજયા તો બીજી તરફ ખુશ્બુ કૂલ પ્રોડકટના ગાર્ડનમાં ૩૩ ચકલીઓના મોત નિપજયા જયારે માર્ગોના કાંઠે કે વાડી ખેતરમાં ધરાશય થયેલા વૃક્ષો ઉપર વસવાટ કરતા બગલાઓના મોત પણ વૃક્ષો ધરાશય થવાની સાથે થવા પામ્યા છે.જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે વૃક્ષો ધરાશય થતા પક્ષીઓના આશ્રયસ્થાન છીનવાઈ જવાની સાથે ચકલી, બગલા, કબૂતર સહિતના હજારો પક્ષીઓના વાવાઝોડાને લઈ મોત નિપજયા હતા.જેમને કારણે પક્ષી પ્રેમીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

(11:29 am IST)