Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

પોરબંદરમાં કલેકટરની સમજાવટથી ડોકટરો-નર્સોએ હડતાલ સમેટીને ફરજ ઉપર હાજર થઇ ગયા

(પરેશ પારેખ-સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯: ગઇકાલે હડતાલ પર ગયેલા સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ સ્ટાફ કોવીડ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કલેકટર સહિતના અધિકારીઓની સમજાવટથી દર્દીઓના હિતમાં કામગીરી શરૂ કરી દીધી છે. કર્મચારીઓની માંગણીઓ નીતિવિષ્યાક હોવાથી તેના હકારાત્મક ઉકેલની ભલામણ સાથે સરકારમાં મોકલવામાં આવશે તેવી કલેકટર દ્વારા ખાતી અપાઇ છે.

ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ સ્કૂલ કોવીડ હોસ્પિટલના કુલ ૧રપ નર્સિંગ કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા હતા. આ બંને સરકારી હોસ્પિટલમાં ૧રપ નર્સિંગ કર્મચારીઓમાં ૬૩ કાયમી કર્મચારીઓ, ૩૭ કોન્ટ્રાકટ બેઝ, રપ ટુંકા સમયગાળાના કોન્ટ્રાકટ બેજ અને પોરબંદરની નર્સિંગ સ્કૂલના છેલ્લા વર્ષના હાલ કોરોના સંદર્ભે સેવા આપી રહેલા પ૪ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા હતા.આ હડતાલને લીધે કોરોનાના દર્દીઓની સારવારમાં મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટરમાંથી બાર સહિત કુલ ૧૩ નર્સિંગ સ્ટાફને હોસ્પિટલમાં મૂકીને દર્દીઓની સેવા ચાલુ રાખવામાં આવી હતી. કલેકટર અશોક શર્માએ જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીના સંકલન હેઠળ કર્મચારીઓને તેમની વ્યાજબી માંગણીઓ ભલામણ સાથે સરકારમાં મકોલી હકારાત્મક રીતે સ્થાનિક કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી કરાશે તેવી સમજાવટ તેમજ સ્થાનિક કક્ષાએથી જેનો ઉકેલ લાવી શકાય એમ છે તેવી નીતિ વિષયક સિવાયની માંગણીઓ તાત્કાલિક ઉકેલીને મંજૂર કરવાની ખાતરી આપતાં કર્મચારીઓએ દર્દીઓના હિતમાં સાંજે બંને સરકારી હોસ્પિટલમાં તેમની સેવા શરૂ કરી હતી. પોરબંદરની બંને સરકારી હોસ્પિટલમાં હડતાલ પરના કર્મચારીઓ સેવામાં જોડાઇ ગયા છે. દરમિયાન નર્સિંગ યુનિયન તરફથી પણ રાજયકક્ષાએથી સરકાર સાથે વાટાઘાટો બાદ એક અઠવાડિયા સુધી હડતાલ સંકેલી લેવાનો સંદેશો આવતા સુખદ અંત આવેલ છે.

(11:43 am IST)