Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જસદણના ૭ પરિવારોને વાડીએ આશરો આપ્યોઃ ચિફ ઓફિસરે ફોન રિસીવ ન કર્યાનો આક્ષેપ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૯ : જસદણમાં વાવાઝોડાની તબાહી બાદ ખાનપર રોડ ઉપર ઝૂંપડામાં રહેતા  ૬ થી ૭ પરિવારોના ઝૂંપડામાં ભારે તારાજી થઇ હતી અને ઘરવખરી પણ પલળી ગઇ હોય પાલિકાના સદ્દસ્યના પતિ અને પાલિકાના ચીફ ઓફીસરને કોલ કરવા છતા ફોન રીસીવ ન કરતા અને તેમને વાડીએ આશારો આપી માનવ ધર્મ બઝાવ્યો હતો.

આ અંગે પાલિકાના સદ્દસ્ય મંજુલાબેન ચોહલીયાના પતિ નિતિનભાઇના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે તેઓ વાડીએ હતા તે દરમિયાન તેમને જાણવા મળ્યું કે ખાનપર રોડ ઉપર ઝૂપડામાં રહેતા  ૬ થી ૭ પરિવારના ઝૂંપડા વેર-વીખેર થઇ ગયા છે અને તેમની ઘરવખરી પણ પલળી ગઇ છે તેમણે ત્યાં જઇ જોયુ તો રાત્રે તેઓ જમવાનું પણ બનાવી શકે તેમ નહોતા.

આ અંગે તેમણે જસદણ પાલિકાના ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદીનો મોબાઇલ કર્યો પરંતુ તેઓ માર્કેટયાર્ડમાં ચાલતા રાહત કેમ્પમાં ફોટો સેેશન કરાવતા હોય ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં પણ કોઇ જવાબ ન આવતા આ ગરીબ પરીવારના ત્રણ થી ચાર કુટુંબને તેમના સબંધીની વાડીના ગોડાઉનમાં આશરો આપી જમવા સહિતની વ્યવસ્થા કરી માનવતા ધર્મ બજાવ્યો હતો.

આ અંગે નિતીનભાઇ ચોહલીયાએ આ અંગે કોઇના નામ લખ્યા વગર સોશ્યલ મીડીયામાં આવા અધિકારી સામે પગલા લેવા માંગ કરી છે.

આ અંગે નીતિનભાઇ ચોહલીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદીને આ અંગે જાણ કરવા મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓએ ફોન કાપી નાખ્યા હતાં.

જો કે જસદણ પાલિકામાં સરકારી અને સત્તાધારીઓ વચ્ચે મનમેળ ન હોય તે કારણે આ બનાવ બહાર આવ્યો હોવાનું પણ ચર્ચાઇ છે.

ચીફ ઓફિસર શું કહે છે ?

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વિડીયો કોન્ફરન્સ ચાલુ હોય ત્યારે કદાચ નીતિનભાઇ ચોહલીયાનો ફોન રિસીવ કર્યો ન હોય તેવું બની શકે. બાકી ર૪ કલાક મારો ફોન ચાલુ જ હોય છે.

(11:38 am IST)