Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કેશોદમાં સતત આઠ કલાક તોફાની પવનના સુસવાટા બાદ વાવાઝોડુ સમી જતાં લોકોના જીવ હેઠા બેઠા

તોફાની પવનોના અટ્ટહાસ્ય સાથેની બિહામણી કાળી રાત બાદ સવારના સૂર્ય કીરણોએ ફેલાવી નવી આશા સાથેની રોશની : ભર ઉનાળે પણ ચોમાસુ સિઝન જેવો માહોલઃ આજે પણ આકાશ વાદળોથી ઘેરાયેલુઃ ગરમી અને ઉકળાટ જોતા વરસાદ થવાની શકયતા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૯ :.. સોમવારની રાત્રીના લગભગ સતત આઠ કલાક દરમિયાન તોફાની પવન સુસવાટા બાદ વાવાઝોડુ સમી જતાં લોકોના જીવ હેઠા બેસેલ હતાં.

લગભગ એક સપ્તાહ પૂર્વે જ તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરીયાઇ વિસ્તારોમાં ત્રાટક ન હોવાના સંકેતો અપાતાં લોકો ભારે ટેન્શનમાં આવી ગયેલ હતાં. જો કે છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિ સામે લડત આપવા ટેવાઇ ગયેલા લોકો આવનાર નવી કુદરત સર્જીત નવી ઉપાધીને સહન કરી લેવાની માનસીક તૈયારી સાથે કાળા માથાના માનવીથી ટાળી ન શકાય તેવી અસહ્ય સ્થિતિની લોકો પ્રતિક્ષામાં હતાં.

હવામાન ખાતા દ્વારા મળેલ સંકેતો મુજબ જ તા. ૧૭ ની સવારથી જ પૂર્વ તરફથી વહેતા પવનની તિવ્રતા કેશોદ વિસ્તારમાં વધતી જોવા મળેલ હતી.

કેશોદ વિસ્તાર દરીયાઇ વિસ્તારથી નજીક હોઇ તા. ૧૭ ની રાત્રીના ૧૦ વાગ્યા  ના અરસામાં પવન દેવે પોતાનું પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી પ્રસરવા લાગેલ. સોમવારની રાત્રીના ૧૦ થી લગભગ સવારના છ વાગ્યા સુધી પવનની સટ્ટાસટી બાદ એકાએક હવાની દિશા ફરી જતા (પવન પશ્ચિમ તરફથી વહેવા લાગતા) સ્થિતીની તિવ્રતા ઘટેલ હતી.

આ સ્થિત વચ્ચે સતત આઠ કલાક સુધી લોકોની ઉંઘ ઉડી ગયેલ હતી. અને આ ઉદભવેલ આફત સમી જાય તેવી લોકોએ પ્રાર્થના કરેલ હતી. જો કે આ સ્થિતિ વચ્ચે સદનસીબે કોઇ જાનહાની અંગે ના સમાચાર નથી. આ સ્થિતિ વચ્ચે વૃક્ષો, ઇલે. પોલ જમીન દોસ્ત થઇ ગયેલ હતાં. લોકોના ઘરના છાપરા, તો કેટલાકની કાચી દિવાલો ટૂટી પડેલ હતી. ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરોમાં ઉનાળુ પાકને પણ નુકશાન થયેલ હતું. જો કે ગણત્રીની કલાકોમાં જ ખતરો ટળી જતાં લોકો તથા તંત્રએ રાહતનો શ્વાસ લીધેલ હતો.

હજુ ચોમાસુ સિઝનને શરૂ થવામાં લગભગ એક માસ જેવો સમય બાકી છે. પરંતુ પ્રવર્તમાન ઉદભવેલ સ્થિતિના કારણે હાલ ભર ઉનાળે પણ ચોમાસુ સિઝન જેવો માહોલ સર્જાયેલ છે. આજે સવારે પણ આકાશ સતત વાદળોથી ઘેરાયેલું જોવા મળેલ છે. ભારે ગરમી અને ઉકળાટ જોતા વરસાદ થવાની શકયતા નકારી શકાય નહીં.

આગલી રાત્રીની અસામાન્ય સ્થિતિ બાદ ગત સવારથી જ આખો દિવસ સ્થિતિ સામાન્ય રહેવા પામેલ હતી. તોફાની પવનોના અટ્ટહાસ્ય સાથેની બિહામણી કાળી રાત વિતી ગયા બાદ સવારના સૂર્ય કિરણોએ નવી આશા સાથેની રોશની ફેલાવતાની સાથે જ જનજીવન સામાન્ય થઇ ગયેલ છે.

(12:59 pm IST)