Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાજુલા-જાફરાબાદ પંથકમાં માછીમારો માટે દરીયાઇ એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ ફાળવવા માંગણી

નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરની રજુઆત

રાજુલા, તા., ૧૯: રાજુલાના ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને રાજુલા-જાફરાબાદ પંથકમાં માછીમારો માટે દરીયાઇ એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ ફાળવવા માંગણી કરી છે.

અંબરીઁષભાઇ ડેરએ વધુમાં જણાવ્‍યું છે કે રાજુલા-જાફરાબાદ વિસ્‍તારના માછીમાર ભાઇઓને દરીયાઇ એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ ન હોવાને કારણે પોતાનો જાન ગુમાવવાના અસંખ્‍ય કિસઓ મારી જાણમાં છે. તેથી જ ૨૦૧૭માં આ વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી તરીકે ચુંટાયીને આવ્‍યા બાદ છેલ્લા ૪ વર્ષથી લોકશાહીના મંદિર એવા વિધાનસભા ગૃહમાં માંગણી કરી રહયો છુ પણ નકરા વાયદા સિવાય કશુ હાંસીલ થતુ નથી.

આ પત્ર-મેસેજ પણ જાફરાબાદના સ્‍મશાનમાંથી જ ટાઇપ કરી રહયો છુ કારણે ગત રાત્રીએ મધદરીયે બોટમાં અકસ્‍માત થતા ૩૩ વર્ષીય જગદીશભાઇ મંગાભાઇ બારૈયાનું યોગ્‍ય સમયે સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે અને સદગતના ૯ વર્ષના બંને પુત્રો અનાથ થયા છે.

મોદી સાહેબ કદાચ આપશ્રીને ખ્‍યાલ નહી હોય કે આપશ્રી એ ગુજરાતથી દિલ્‍હી પ્રયાણ કર્યા બાદ પક્ષાપક્ષીના રાજકારણે ગુજરાતના લોકોને લગભગ અજગર રૂપી ભરડામાં લઇ કચડી નાખ્‍યુ છે અને જયાં૦ ભાજપ સિવાયના લોકો ચુંટાયા છે ત્‍યા મોટે ભાગે સામાન્‍ય બાબતોમાં પણ પારાવાર અન્‍યાય થઇ રહયો છે.  મારા દરીયાઇ વિસ્‍તારના લોકોની સુખાકારી માટે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ફાળવો અને ભલે એમાં ભાજપના મોટા આગેવાનો સહીત પેઇજ  પ્રમુખશ્રીઓના ફોટાઓ ચોડાડાવો પણ ભાઇસાબ ૧૦૮ ફાળવો, આ વિસ્‍તારના ભાજપના અમુક આગેવાનોને જશ ખાટવાના ખુબ અભરખા છે તો લોકાર્પણ એમના હાથે કરાવજો પણ ૧૦૮ ફાળવો.

આમ તો હું ધારાસભ્‍ય થયા બાદ આપશ્રીને આ પ્રથમ પત્ર લખી રહયો છું  કારણ કે ૯ વર્ષના અનાથ થયેલા બે બાળકો યાજ્ઞીક તેમજ હાર્દિકના માસુમ ચહેરા હું નજર સામે નિહાળી રહયો છું. કુદરતે આપશ્રીને અમાપ શકિતઓ બક્ષેલી છે એ દુનિયા આખી જાણે છે. ત્‍યારે આ ૧૦૮ દરીયાઇ એમ્‍બ્‍યુલન્‍સ સહીત આ વિસ્‍તારના જાણી જોઇને અટકાવેલા ઘણા બધા કામો ઝડપથી થાય એવી સુચના ગુ઼જરાત સરકારને આપવા અંબરીશભાઇ ડેરએ માંગણી કરી છે.

(1:42 pm IST)