Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા

પ્રથમ રાઉન્ડમાં સમયમર્યાદામાં મોરબી જિલ્લામાં ૧૧૧૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો

મોરબી :  RTE ACT અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લા દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ મોરબી જિલ્લાની કુલ ૧૮૪ જેટલી, બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં મોરબી જિલ્લાની ૧૩૬૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં મોરબી જિલ્લામાં ૧૨૩૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં મોરબી જિલ્લામાં ૧૧૧૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ મોરબી જિલ્લાની ૨૫૨ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા મોરબી જિલ્લામાં ૨૭૪૩ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા.૧૨/૦૫/૨૦૨૨ થી તા.૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન આપવામાં આવેલ. આ સમયગાળામાં એકંદરે ઘણા અરજદારોને શાળાઓની પુનઃપસંદગી કરેલ, જ્યારે બાકીના અરજદારે પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખેલ.
RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા.૧૭/૦/૨૦૨૨, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૧૩ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. બીજા  રાઉન્ડમાં  પ્રવેશ  મેળવેલ  વિદ્યાર્થીઓએ  તા. ૨૩/ ૦૫/ ૨૦૨૨, સોમવાર  સુધીમાં  જે  તે  શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:10 pm IST)