Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કચ્છમાં ૧૦૦ બેડની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ઊભી કરવા દીનદયાળ પોર્ટ કંડલાનું આયોજન

શિપિંગ મંત્રાલયે દેશના દરેક મહાબંદરોને આરોગ્ય સુવિધા માટે કરેલા સૂચનને પગલે પહેલ, પીપીપી ધોરણે હોસ્પિટલ સાથે નર્સિંગ કોલેજનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯: કોરોનાની બીજી લહેર દરમ્યાન કચ્છ, ગુજરાત સહિત દેશભરમાં આરોગ્ય સુવિધાઓ વધારવાની જરૂરીયાત સમજાઈ છે. કચ્છની વિવિધ સંસ્થાઓએ અહીં દીનદયાળ પોર્ટ કંડલાને એક અદ્યતન હોસ્પિટલ બનાવવા માંગણી પણ કરી હતી. દરમ્યાન કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ પણ તમામ મહાબંદરોને આરોગ્ય સુવિધા ઊભી કરવા સૂચન કર્યું હતું.

જે સૂચનને પગલે હવે કચ્છમાં પહેલ થઈ રહી છે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ ૧૦૦ બેડની અને જરૂરત પડ્યે ૫૦ બેડ વધારીને ૧૫૦ બેડ સાથે નર્સિંગ કોલેજની સુવિધા ધરાવતી આરોગ્ય સુવિધા કચ્છમાં વિકસાવવા માટે આયોજન કરી અને આ આયોજનને આગામી બોર્ડ મિટિંગમાં મંજૂરી માટે મૂકવાની તૈયારી કરી લીધી છે. આ સુવિધા પીપીપી ધોરણે વિકસાવવા અન્ય રસ ધરાવતાં જૂથોને આકર્ષવા માટે પણ પ્રયાસો કરાશે.

આગામી ૨૫ તારીખે બોર્ડ મિટિંગમાં આ અંગે ઠરાવ મુકાશે અને ત્યારબાદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિર્માણ માટે આગળ વધવાનું આયોજન કરાશે. અત્યારે પોર્ટ દ્વારા ગાંધીધામમાં ગોપાલપૂરી મધ્યે હોસ્પિટલ ચલાવાય છે. જેમાં અત્યારે કોવિડ સારવાર માટે પણ સુવિધા ઊભી કરાઈ હતી.

(10:36 am IST)