Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કચ્છમાં ફોરલેન બનતા હાઇ-વેની નીચે ગેસલાઇન નાખવાથી અકસ્માતનો ભય

જીલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા વી.કે.હુંબલની રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.૧૯ : કચ્છ જીલ્લા પંચાયતના પુર્વ વિરોધપક્ષના નેતા વી.કે.હુંબલે વરસાણા ભીમાસર - અંજાર નેશનલ હાઇવેને ટુંક સમયમાં જ ફોરલેન કરવા રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યુ કે વરસાણા ભીમાસર અંજાર રર કિમીનો રસ્તો ૭ વર્ષ પહેલા નેશનલ હાઇવેનં. ૩૪૧ તરીકે જાહેર થયેલ છે. આ રસ્તાને રીપેર કરવાની માંગણી સાથે કોંગ્રેસ આંદોલન કર્યુ હતુ. ત્યારબાદ રૃા.૨૦ લાખના ખર્ચે પેચવર્કના કામ ત્રણ મહિના પહેલા જ કરવામાં આવ્યા પરંતુ અત્યારે ઠેરઠેર ખાડાઓ પડયા છે.

 આ રસ્તો ૧૫ વર્ષથી રીસરફેસીંગ કરેલ નથી જેની વારંવાર રજૂઆતો કર્યા  બાદ રીસરફેસીંય માટે રૃા.૧૨ કરોડ મંજુર થયા જેનુ કામ કોન્ટ્રાકટર દ્વારા વિલંબ કરાય છે.

આ નેશનલ હાઇવે ટુંક સમયમાં ફોરલેન બનવાનો છે તે જમીનમાં જ અદાણી દ્વારા કંડલાથી મુંદ્રા સુધીના ગેસ લાઇનો પાથરવાની કામગીરી ચાલે છે રોડની નીચે ગેસલાઇન કઇ રીતે નાખી શકાય જે તપાસનો વિષય છે અને જેને કારણે જ રીસરફેસીંગ કરવામાં વિલંબ આવી રહેલ તેવુ જણાય છે. આ રીતે કોઇ કંપનીને રોડ નીચે ગેસલાઇન પાથરવાની મંજૂરી કેમ આપી શકાય? આ ગેસ લાઇનના કારણે ભવિષ્યમાં અકસ્માત પણ સર્જાય શકે છે.

આ નેશનલ હાઇવે ૩૪૧ ઉપરથી રાજમંત્રી વાસણભાઇ આહીર ગાંધીનગર સુધી જાય છે તેમ છતા કચ્છનો સૌથી ખરાબ રસ્તો હોવા છતા ચુપ કેમ છે? આ બાબતે ભાજપના નેતાઓને અપીલ કરવામાં આવી છે. તાત્કાલીક આ રસ્તાનું રીસરફેસીંગનું કામ શરૃ કરવામાં આવે તેવી માંગણી વી.કે.હુંબલ દ્વારા કરાઇ છે.

(12:19 pm IST)