Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ચોટીલા મંદિરમાં એન્ટ્રી માટે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત

વેક્સિનેશનનું પ્રમાણપત્ર હાથમાં હશે તેને જ મંદિરમાં પ્રવેશ અપાશે :માસ્ક , સોશિયલ ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન માટે પ્રવેશ મેળવવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું પડશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે તેવો એક્સપર્ટનો મત છે. વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. જ્યારે દેશ અને ગુજરાતમાં કોરોનાના કારણે અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સિન આપવામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.

જ્યારે હવે દરેક જગ્યાએ વેક્સિનેશનનું પ્રમાણપત્ર જરૂરી બન્યું છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્ણયમાં કોરોના વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે. વેક્સિનેશનનું પ્રમાણપત્ર હાથમાં હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. કેટલાક લોકો અંધશ્રદ્વાને કારણે વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે. હવે દેવસ્થાનોના માધ્યમથી આવા લોકોને વેક્સિનેશન માટે જાગરૂકતા લાવવા માટેનો આ પ્રયાસ છે.

સુરેન્દ્રનગરના ઐતિહાસિક ચોટીલા મંદિરમાં ચામુંડા માતાના દર્શન માટે પ્રતિદિન હજારો લોકો આવતા હોય છે. ગુજરાતભરમાં ચામુંડા માતાના ભક્તો છે. મંદિરના મહંત અમૃતગીરીબાપુ દ્વારા દર્શનાર્થે આવતા તમામ ભાવિકોને વેક્સિન લેવા અપીલ પણ કરવામાં આવી છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં દર્શને જતા પહેલા તમામ ભાવિકોએ વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. ગુજરાત રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ સહીતના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે એવી સૂચનાઓ પણ દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને ચોટીલા ચામુંડા મંદિરના સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગ્રામ્ય પથંકમાં રાત્રી વેક્સિનેશન સાથે તમામ લોકોને કોરોના રસીકરણ થઇ જાય એના પર ભારની સાથે ભરપૂર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ મળશે. ચોટીલામાં વેક્સિન લીધેલી અને પ્રમાણપત્ર સાથે હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

(8:32 pm IST)