Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીમાં રાજકારણ બન્યું લોહિયાળ : પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની કરપીણ હત્યા : ચાર આરોપીઓની ધરપકડ

જુના રાજકીય મનદુઃખમાં ડબલ મર્ડર : એક આરોપીની વડોદરામાંથી અને ત્રણ આરોપીની મોરબીના વિસીપરામાંથી ધરપકડ

મોરબી : વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (૫૨) અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (૨૪) ની ઉપર ગત બુધવારે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બન્યો હતો. મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસહ હાલમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. 

મોરબી અગાઉ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું, ત્યારે ફારૂકભાઇ ઉપપ્રમુખ બન્યા હતા અને પછી કોંગ્રેસ કેટલાક અસંતુષ્ટ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી હતી અને ૧૨ જેટલા સભ્યોએ ભાજપનાં બહારથી ટેકો મેળવીને મોરબી નગરપાલિકામાં સત્તાની ધૂરા સંભાળી હતી. ત્યાર પછીની વિકાસ સમિતિએ સત્તા ગુમાવી હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યું હતું. આ સમયગાળા દરમ્યાન જ રાજકીય મનદુખના બીજ રોપાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. જો કે, આ બેવડી હત્યાના બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટવાણીએ (ઉંમર ૫૨) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શ્ખ્સોની સામે તેના પતિ અને દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હાલમાં બી ડિવિઝન પોલીસે એક આરોપીની વડોદરાથી અને ત્રણ આરોપીની મોરબી વીસીપરા વિસ્તારના પાછળના ભાગમાથી ધરપકડ કરી છે. જેમાં ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબ્જે લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મદીના સોસાયટીમાં જઈને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરે તેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી.

(7:42 pm IST)