Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ફોઈના દીકરાએ જ મામાના દીકરાની હત્યા કરી નાખી

તાલાલામાં હત્યાનો ભેદ ઉકેલાયો : પત્નીના અફેરની શંકાથી મોબાઈલમાં ગુપ્ત રીતે કોલ રેકોર્ડિંગ શરું કર્યું, જ્યારે સાંભળ્યું તો પગ તળે જમીન સરકી ગઈ

જૂનાગઢ,તા.૧૯ : ગીર સોમનાથના તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે આડા સંબંધની આશંકાએ બે દિવસ પહેલા યુવાનની હત્યા કરાઈ હતી. આ યુવાનની હત્યા મામલે મોબાઈલ કોલ રેકોર્ડીંગ નિમીત બન્યુ હતું. આ હત્યા મામલે મામાના દિકરાને ફોઈના દિકરાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના લીધે ફોઈના દિકરાએ મામાના દિકરાને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસ તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મામા-ફોઈના ભાઈઓ મોતના દુશ્મન બન્યાની સનસનીખેજ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા નજીકના જેપુર ગીર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિનો ૧૩ વર્ષનો લગ્ન ગાળો થયો છે.

        તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમજ તે બાંધકામની ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન હસતો રમતો પરિવાર મોબાઈલ રેકોડીંગના કારણે વીખરાય ગયો છે. એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, હસમુખ કામળીયાને પોતાના દુરના મામાના દિકરા અતુલ કેશવાલા સાથે અગાઉ બોલાચાલી થતા મનદુઃખ હતું. કારણ કે, અતુલને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાની આશંકા હતી. જેથી હસમુખે પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરી નાંખ્યું હતું. જેનાથી પત્ની અજાણ હતી. બાદમાં હસમુખે થોડા દિવસો દરમિયાન થયેલા કોલ રેકોર્ડિંગ સાંભળતા અતુલ સાથે પોતાની પત્નીની વાતો સાંભળી તે ગુસ્સે ભરાયો હતો અને અતુલને રહેસી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

            બે દિવસ પહેલા સાંજના ૭ વાગ્યે અતુલ પોતાના ગામ જેપુર ગીર જતો હતો, ત્યારે રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને અંદીજીત છરીના ૧૭ થી ૧૮ ઘા મારી અતુલની હત્યા કરી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતા તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. જે બાદ પોલીસે અતુલના સગા સંબંધીઓ પરીવારોના નિવેદનો લેતાં શંકાની સોય હસમુખ તરફ ટંકાય હતી. જેથી પોલીસે હસમુખને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં હસમુખે સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે એક આડા સંબંધ અને મોબાઈલ રેકોર્ડિગે હસમુખને જેલમાં જ્યારે અતુલને યમધામ પહોચાડી દીધો હતો.

(7:56 pm IST)