Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

બીજી પાર્ટીઓ ખોટા વાયદાઓ કરીને લોકોને છેતરે છે, બોટાદની વિકલ્‍પની નહીં વિકાસ જરૂરઃ બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્‍યામ વિરાણી

ચૂંટણી જીત્‍યા બાદ હું તમારી વચ્‍ચે જ રહીને લોકપ્રશ્નો ઉકેલીશ

બોટાદઃ બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્‍યામ વિરાણીએ જણાવ્‍યું છે કે, બીજી પાર્ટીઓ ખોટા વાયદાઓ કરીને લોકોને છેતરે છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મતદાન થવાનું છે જેને લઇને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ લોકો વચ્ચે જઇને પ્રચાર શરૂ કર્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અને રિઝવવા માટે અલગ અલગ પ્રકારના પ્રચાર શરૂ કર્યા છે.

બોટાદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. 20 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોટાદના પ્રવાસે આવી રહ્યા છે તેને લઇને પણ ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બોટાદના ભાજપના ઉમેદવારે આ દરમિયાન કહ્યુ કે, બોટાદને વિકલ્પની નહી પણ વિકાસની જરૂર છે. બોટાદમાં વિધાનસભા ચૂંટણીમાં જીત્યો તો વિકાસને આગળ પણ જાળવી રાખવામાં આવશે. ભાજપના ઉમેદવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ઘનશ્યામ વિરાણીએ કહ્યુ કે બીજી પાર્ટીઓ ખોટા વાયદાઓ કરીને લોકોને છેતરે છે અને તેઓ ચૂંટણી જીતીને કરેલા વાયદાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે.

ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે, બોટાદમાં ભવ્ય બહુમતીથી જીત મળશે અને ચૂંટણી જીત્યા બાદ હું તમારી વચ્ચે જ રહેવાનો છું અને વિકાસના કામો કરવાનો છું. બોટાદમાં ભાજપ જીત્યુ તો બાળકોના ભવિષ્યને લઇને સ્કૂલો, લોકોના સ્વાસ્થ્યને લઇને હૉસ્પિટલ અને અન્ય નાના મોટા કાર્ય પર સંપૂર્ણ અમલ કરવામાં આવશે.

બોટાદના ભાજપના ઉમેદવારને જીતનો વિશ્વાસ

બોટાદ વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામતો દેખાય છે. આ બેઠક પર સૌરભ પટેલ અને સુરેશ ગોધાણીનું નામ આગળ આવી રહ્યું હતુ. પરંતુ અચાનક જ ભાજપ દ્વારા ઘનશ્યામ વિરાણીનું નામ જાહેર કરતાં સૌ લોકોને ભાજપ હાઇકમાંડે ચોકાવ્યા હતા. ઘનશ્યામ વિરાણી કે જેઓ છેલ્લા બે વર્ષથી બોટાદના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તેમની કામગીરી બજાવી રહ્યાં છે. બોટાદના ભાજપ ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઘનશ્યામ વિરાણી 1994થી ભાજપના શુભચિંતક તરીકે પાર્ટી સાથે જોડાયેલા છે અને 2002થી ભાજપના સક્રિય સભ્ય બન્યા. આ બાદ તેઓ હંમેશા ભાજપ સાથે સક્રિય રહ્યાં. 2021થી વિરાણીને બોટાદ જિલ્લાના ભાજપ પ્રમુખની જવાબદારી મળી અને જેમાં તેઓએ બિનહરીફ જીત મેળવી હતી.

બોટાદમાં ભાજપે સૌરભ પટેલને કાપીને ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે મનહર પટેલ અને આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે 93 બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

(5:16 pm IST)