Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ચૂંટણીના ગરમાવા વચ્‍ચે ઠંડીમાં વધારો

ગાંધીનગર ૧૩.૩ ડીગ્રી : નલીયા ૧પ.૮, રાજકોટ ૧૮.પ ડીગ્રી લઘુતમ તાપમાનઃ મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક વધુ

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ અનુભવાય છે. જેના કારણે શિયાળા જેવુ વાતાવરણ વર્તાય છે. જો કે સવારના સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે ઉકળાટ સાથે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે. આવી રીતે આખો દિવસ મિશ્ર ઋતુનો અહેસાસ થાય છે.

આજે સવારે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૧૩.૩ ડીગ્રી, નલીયા, ૧પ.૮, રાજકોટમાં ૧૮.પ ડીગ્રી નોંધાયુ છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચૂંટણીના ગરમાવા વચ્‍ચે ઠંડીમાં વધારો થયો છે.

રાજકોટમાં બુધવાર બાદ ગુરૂવારે  પણ તાપમાન ર૦ ડીગ્રીએ જળવાયેલું રહ્યું હતું. જયારે સૌરાષ્‍ટ્રના અન્‍ય શહેરોમાં લઘુતમ તાપમાન દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુરૂવારે નલીયા કરતા મહુવામાં લઘુતમ તાપમાન નીચું રહયું હતું. મહુવામાં ઠંડીનો પારો ૧પ.૩ ડીગ્રી નોંધાયો હતો. જે સમગ્ર રાજયમાં સૌથી નીચું  તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ હવે ધીમે - ધીમે ઠંડીનું જોર અને પ્રમાણ વધશે.

સૌરાષ્‍ટ્રમાં વેરાવળ, દ્વારકા અને ઓખાને બાદ કરતા મહત્તમ તાપમાનનો પારો ૧૭.૬ ડીગ્રીથી લઇને ર૦ ડીગ્રી સુધી રહ્યો હતો.

વધુમાં હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ  પવનની દિશા બદલાતા તાપમાનમાં સામાન્‍ય વધઘટ રહેશે. ત્‍યારબાદ  ક્રમશઃ ઠંડી ધીમે ધીમે વધશે. જો કે દિવસનું તાપમાન રાજકોટમાં ૩૪.૩ ડીગ્રી નોંધાયું હતું. પોરબંદરમાં પણ મહત્તમ તાપમાન એકસરખું રહયું હતું. દિવસમાં હજુ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે-સવારે પવનની દિશા બદલાતા અને ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીનો અનુભવ વધારે થાય છે.

કયાં કેટલી ઠંડી

શહેર          લઘુતમ તાપમાન

અમદાવાદ             ૧૪.૯

અમરેલી               ૧પ.૩

બરોડા         ૧પ.૪

ભાવનગર              ૧૮.ર

ભુજ            ૧૯.ર

દમણ          ૧૬.૬

ડીસા           ૧પ.૪

દીવ           ૧૭.૬

દ્વારકા          ર૧.૭

ગાંધીનગર             ૧૩.૩

કંડલા          ૧૯.૮

નલિયા         ૧પ.૮

ઓખા          ર૪.૦

પોરબંદર              ૧૮.૦

રાજકોટ                ૧૮.પ

સુરત          ૧૮.ર

વેરાવળ                ર૧.૩

(11:30 am IST)