Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કચ્છના સરહદી લખપત તાલુકામાં વિષમ આબોહવાને કારણે લોકોમાં એલર્જીનું પ્રમાણ વધુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  કચ્છના લખપત તાલુકાના છેવાડાના પાન્ધ્રો અને આજુબાજુના વિસ્તારમાં વિષમ આબોહવાને કારણે એલર્જી પ્રકારના રોગ વધુ જોવા મળતા હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.

જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા દર ગુરૂવારે પાન્ધ્રો પંથકના દર્દીઓની સવિશેષ સારવાર માટે મુલાકાત લેવામાં  આવે છે. મેડિસન વિભાગના ડો.યેશા ચૌહાણે કહ્યું કે, એલર્જી સાથે શરદી, ખાંસી અને તાવ પણ જોવા મળે છે.અને તેની સારવાર કરવામાં આવે છે.

વર્માનગર ખાતેની કોલોની હોસ્પિટલમાં જી.કે.ના ઉપક્રમે અપાતી સારવારમાં મેડીસીન ઉપરાંત ટીમમાં સામેલ સ્કિન વિભાગના ડો. જૂઈ શાહે માહિતી આપતા જણાવ્યું કે, એલર્જીને કારણે ચામડીના દાદર, ખસ, ખુજલી અને ખરજવું જેવા દર્દો દેખા દે છે અને જરૂરી ઉપચાર કરવામાં આવે છે.

    આ વિસ્તારમાં સારવાર માટે સ્ત્રીરોગ નિષ્ણાત ડો.નિધિ પટેલ, કાન નાક ગાળાના ડો.નીલ પટેલ અને બાળરોગ વિભાગના ડો. લાવણ્ય પણ જોડાયા હતા.

(1:28 pm IST)