Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પોરબંદરમાં વી.જે.મદ્રેસા દ્વારા મતદારોને જાગૃત કરતા સુત્રો સાથે વિદ્યાર્થીઓની રેલી નીકળી

પોરબંદર,તા.૧૯: વી.જે. મદ્રેસા દ્વારા ‘‘મતદાન જન જાગૃતિ'' રેલી નીકળી હતી. રેલીમાં મતદારોને જાગૃત કરતા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ જુદા જુદા વિસ્‍તારમાં ફર્યા હતાં.

 વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની સૂચના મુજબ પોરબંદર વી.જે.મદ્રેસા બોયઝ સ્‍કુલ દ્વારા ‘‘મતદાન જન જાગૃતિ'' રેલી કાઢવામાં આવી હતી. મતદારોને જાગૃત કરતા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ જુદા જુદા વિસ્‍તારો હરીશ ટોકીઝ, લીમડા ચોક, ઠકકર પ્‍લોટ, ચુનાભઠ્ઠી વિસ્‍તાર, શિતલચોક  વિસ્‍તાર વગેરે વિસ્‍તારોમાં ફરીને મતદાન કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વી.જે. મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઇ સૂર્યાના માર્ગદર્શન હેઠળ પ્રિન્‍સિપાલ ઇસ્‍માઇલ મુલતાનીના નેતૃત્‍વમાં યોજાયેલ આ રેલીમાં ધો. ૫ થી ૧૦ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ‘‘મતદાન આપીએ અને અપાવીએ, લોકશાહી બચાવીએ'',  ‘‘મતદાન આપણી પવિત્ર ફરજ છે.'' ‘‘મતદાતા જાગે, અધિકાર માંગે'' વગેરે સૂત્રો સાથે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અને જણાવાયું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોરબંદર વિધાનસભા માટે ૧ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ યોજવાની છે ત્‍યારે આપણે સૌ શપથ લઇએ કે, ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉ છું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચુંટણીમાં હું કોઇપણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઇપણ રીતે પ્રલોભીંત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ. તે પ્રકારની જાગૃતિ માઇક દ્વારા પણ ફેલાવવામાં આવી હતી. સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

(11:12 am IST)