Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જસદણ બેઠકની ૧૯૬૨ની ચુંટણી માટે મતદાનની ૧ હજાર સ્‍લીપ લખવા યુવકોને ૧૦ રૂપિયા મળતા

તે વખતે ૪૯ હજાર મતદારો હતા અને ૪૦.૭૯ ટકા મતદાન થયુ'તુ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૯ : ગુજરાત રાજ્‍યની ૧૯૬૦ માં સ્‍થાપના થયા બાદ સૌપ્રથમ વખત ૧૯૬૨ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી ત્‍યારે જસદણ બેઠકની ચૂંટણી પણ ખૂબ જ રોમાંચક રીતે યોજાણી હતી.

જસદણ વિધાનસભા બેઠક માટે ૧૯૬૨ માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વસંતપ્રભા જયસુખલાલ શાહને ૧૧૧૮૬  મત મળ્‍યા હતા. જ્‍યારે -જાસત્તાક પાર્ટીના ગેલાભાઈ કરશનભાઈ છાયાણીને ૬૫૦૪ મત મળ્‍યા હતા. જનસંઘના ઉમેદવાર લાભુભાઈ રામભાઈ ભરાડને ૧૨૯૨ મત તેમજ અપક્ષ ઉમેદવાર ભાનુશંકર દિવેશ્વર વ્‍યાસને ૧૨૬૩ મત મળ્‍યા હતા. કોંગ્રેસના વસંતપ્રભા શાહનો ૪૬૮૨ મતની સરસાઈથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં ૪૦.૭૯  ટકા મતદાન યોજાયું હતું. જસદણ બેઠકમાં અંદાજે ૪૯,૦૦૦ મતદારો હતા.

અત્‍યારે ચૂંટણીઓમાં મોટા જમણવાર મોટા મંડપ સોફા લાઈટ,  મોંઘીદાટ ગાડીઓનો કાફલો વગેરે પાછળ ઉમેદવારો તથા રાજકીય પક્ષો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્‍યારે અંદાજે ૬૦ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીની રસપ્રદ વિગતો જણાવતા ૯૦ વર્ષના વણિક એડવોકેટ રતિભાઈ એસ. અંબાણીએ જણાવ્‍યું હતું કે જસદણ તેમજ આજુબાજુના ગામડામાં ઘોડા ઉપર તેમજ સાયકલ ઉપર પ્રચાર કાર્ય માટે ઉમેદવાર પોતે તેમજ તેમના કાર્યકરો જતા હતા. પ્રચાર માટે મોટા કાગળમાં ઉમેદવારના પ્રચારનું લખાણ લાલ - લીલી અને બ્‍લુ કલરની બોલપેનથી લખવામાં આવતું હતું અને આ પ્રચારના કાગળને દીવાલો ઉપર ચોટાડવામાં આવતા હતા. સફેદ કપડા ઉપર ગળી તેમજ લાલ માટી વડે પ્રચારના બેનરો કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવતા હતા અને લગાડવામાં આવતા હતા. જસદણ સહિત સમગ્ર રાજ્‍યમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી એ સમયે જસદણના વકીલો તથા ડોક્‍ટરો જે ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનું લોકોને જણાવે તેવા ઉમેદવારની તરફેણમાં લોકો મતદાન કરતા હતા. સમગ્ર ચૂંટણી અંદાજે ૧૨ થી ૧૫ હજાર રૂપિયાના ખર્ચમાં પૂરી થતી હતી.

 ચૂંટણી આવે ત્‍યારે ઉમેદવારો દ્વારા મતદારોને ઘરે ઘરે આપવામાં આવતી મતદાનની સ્‍લીપ યુવા વર્ગ લખતો હતો.  યુવાનોને એક હજાર સ્‍લીપ લખવા માટે દશ રૂપિયા મળતા હતા. પરિવારના તમામ લોકો રાત દિવસ ઉજાગરા કરીને સ્‍લીપ લખવાની કામગીરી કરતા હતા અને રોજગારી મેળવતા હતા. સંયુક્‍ત પરિવારમાં છ થી સાત ભાઈઓ બહેનો હતા તે તમામ ભેગા મળીને છ થી સાત હજાર સ્‍લીપ લખતા હતા. જે પેટે તેને ૭૦ રૂપિયા મળતા હતા. એ સમયે એકસો રૂપિયામાં નવી સાયકલ આવતી હોવાથી સ્‍લીપ લખવાના ૭૦ રૂપિયામાં પરિવારના વડા ૩૦ રૂપિયા તમામ ભાઈઓ બહેનો વચ્‍ચે આપતા અને સ્‍લીપના આવેલા ૭૦ રૂપિયામાં ૩૦ રૂપિયા ઉમેરીને  ૧૦૦ રૂપિયાની નવી સાયકલ સમગ્ર પરિવાર વચ્‍ચે ખરીદવામાં આવતી હતી.

જેનો ઉપયોગ સંયુક્‍ત પરિવારનાં તમામ ભાઈઓ બહેનો કરતા હતા.બીએમડબલ્‍યુ ગાડી ખરીદવા જેવો આનંદ નવી સાયકલ આવવાથી મળતો હતો.

આક્ષેપવાદનું ગંદુ રાજકારણ હતું નહીં પરંતુ પ્રમાણિકતા, નીતિમતા, સિદ્ધાંતો સાથેનું નિષ્ઠાવાન રાજકારણ હતું. એ જમાનામાં જસદણમાં ફક્‍ત બે જ ગાડીઓ હતી. ખૂબ જ  અરજન્‍ટ હોય ત્‍યારે ઉમેદવાર એમ્‍બેસેડર કે  ફયાટ ગાડી ભાડે કરીને પ્રચારમાં જતા હતા. જસદણ રાજવી પરિવાર પાસે પણ ગાડી હતી રાજવી પરિવાર સક્ષમ ઉમેદવારને વિનામૂલ્‍યે ચૂંટણી સમયે તેમની ગાડી પ્રચાર માટે વાપરવા આપતા હતા. ઉમેદવાર જીતે તો જીત્‍યા બાદ નોકરીમાં રખાવી દેશે તેવી અપેક્ષા સાથે યુવાનો જે તે ઉમેદવારના પ્રચારમા જતા હતા.

(11:39 am IST)