Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સાવરકુંડલા તાલુકામાં ચાલતી રમુજ... ગાંધીનગર કેવી રીતે જવુ છે? વાયા સુરત... કે અમદાવાદ કે પછી સાવરકુંડલાથી ડાયરેકટ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૯ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય - સામાજીક વર્તુળોમાં ચૂંટણીને લગતી ટીકા-ટીપ્પણી કે નિર્દોષ રમુજની ચર્ચા થતી હોય છે. આવી ટીકા-ટીપણી-રમુજ બેઠક કે વિસ્તાર વાઇઝ અલગ-અલગ હોય છે. ત્યારે સાવરકુંડલા વિસ્તારમાં હાલમાં એક નિર્દોષ રમૂજ ચાલી રહી છે. જેમાં લોકો એક બીજાને પૂછી રહ્યા છે. ગાંધીનગર કેવી રીતે જવું છે.

વાયા સુરત જવું કે કે અમદાવાદથી કે પછી સીધુ - સાવરકુંડલાથી જવું છે. આ રમુજ ખુબ ચાલી રહી છે. આ રમુજ વહેતી થવાનું પણ એક કારણ છે સવારકુંડલા - બેઠક ઉપર ચૂંટણી લડતા અગીયાર ઉમેદવારો પૈકી મુખ્ય ત્રણ ઉમેદવારો ભાજપ - કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ રાજકિય લડાઇ છે. જેમાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાનું પૈતૃક વતન સાવરકુંડલા છે. પણ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા છે. તો કોંગ્રેસનાં ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય પ્રતાપ દૂધાત સાવરકુંડલા સાથે જોડાયેલા લીલીયા તાલુકાનાં વતની છે અને સાથે સાથે સુરત ખાતે પણ વ્યવસાય અર્થે જતા આવતા રહે છે. જયારે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ભરત નાકરાણી સાવરકુંડલાના જ વતની છે. અને સાવરકુંડલા ખાતે જ વર્ષોથી કાર્યરત છે. જેથી અમુક લોકોએ આના સંદર્ભેમાં ઉકત રમુજ વહેતી કરી છે. જો કે નિર્દોષ લાગતી આ રમુજથી ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર અને તેના ટેકેદારો થોડા નારાજ થઇ રહ્યા છે. તો પ્રમાણ નવા-સાવ આપ નાં ઉમેદવાર અને તેના ટેકેદારો મલકાઇ રહ્યા છે. સોશ્યલ મીડીયામાં પણ આ રમુજ ફેલાઇ રહી છે. અને લોકો આનંદ માણી રહયા છે. 

(1:24 pm IST)