Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જ્‍યારે પરિવેશ બદલી પશ્ચિમ કચ્‍છ પોલીસે છેક ઓરિસ્‍સા જઈ ડ્રગ્‍સ પેડલરને ઝડપ્‍યો

પીએસઆઈ વનરાજસિંહ ઝાલા અને ટીમ દ્વારા સફળ ઓપરેશન

(નોદ ગાલા દ્વારા)ભુજ તા. ૧૯ :  પશ્ચિમ કચ્‍છ જિલ્લાની પદ્ધર પોલીસે છેક ૧૮૦૦ કીમી દુર ઓરિસ્‍સા જઈ પરિવેશ બદલી છટકું ગોઠવીને ડ્રગ્‍સ પેડલરને આબાદ રીતે ઝડપી પાડયો હતો. એસઓજી પોલીસે ટ્રકની તપાસ દરમ્‍યાન નખત્રાણાના ધાવડા ગામના દેવીસિંહ ભચલસિંહ સોઢા અને અનિલ વિઠ્ઠલદાસ સાધુને ૩ કિલો ગાંજા અને દારૂ સાથે ઝડપી પાડયા હતા.

આ કેસની ક્રોસ તપાસ પદ્ધર પોલીસને સોંપ્‍યા બાદ ગાંજો છેક ઓરિસ્‍સાથી મેળવ્‍યો હોવાનું ખુલતા ડીએસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી આર.ડી. જાડેજાએ નાર્કોટિક્‍સના આ કેસમાં મૂળ સુધી જવા જણાવ્‍યું હતું. જે સંદર્ભે ગાંજા ની જથ્‍થો જ્‍યાંથી મેળવ્‍યો હતો તે આરોપીને ઓરિસ્‍સાથી ઝડપવા પીએસઆઈ વનરાજસિંહ ઝાલા અને ટીમે પ્‍લાન બનાવ્‍યો.  પોલીસ જીપ દ્વારા ૧૮૦૦ કીમી ઓરિસ્‍સા જઈ ત્‍યાં બલાંગીર મધ્‍યે ડ્રગ્‍સ પેડલર હરિબંધુદાસ મકરધ્‍વજદાસને ઝડપવા ફોન કરી વધુ માલ જોઈએ છે એવું કહી બોલાવ્‍યો. ત્‍યારબાદ પોલીસ અંગે શંકા ન જાય તે માટે વેશ પલટો કરી પરિવેશ બદલી એક કર્મચારી રિક્ષા રોકવા પ્રવાસી બન્‍યો, એક કર્મચારી ચા પીવા હોટેલમાં બેઠો અન્‍ય આસપાસ ગોઠવાઈ ગયા. ડ્રગ્‍સ પેડલર હરિબંધુદાસ માલ આપવા આવ્‍યો એટલે તરત જ તેને ઝડપી લેતાં જાહેર રોડ ઉપર થોડીવાર ધમાચકડી સાથે ફિલ્‍મી દ્‌ર્શ્‍યો સર્જાયા હતા. પણ, આરોપી ઝડપાઈ ગયો હતો જેને કચ્‍છ લઈ અવાયો છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરાઇ છે.

આ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સાથે હેડ કોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ ઘનશ્‍યામ મીરાણી, ડ્રાઈવર મયુરસિંહ રાણા અને સ્‍ટાફ જોડાયા હતા.

(3:14 pm IST)