Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નર્મદાની વહીવટી મંજુરી અંગે સરકાર સામે કચ્છ કોંગ્રેસની અણિયાળા સવાલો સાથે માંગઃ અમલવારી માટે નક્કર આયોજન કરો

૭ લીંકમાંથી ૪ લીંકને જ મંજુરી અપાઈ હોઈ લખપત, અબડાસા, નખત્રાણા, અને બન્નીના સરહદી વિસ્તારોને પાણી નહીં મળે, બ્રાંચ કેનાલ માટેના જમીન સંપાદન, બાંધકામ, ડિઝાઇન એસ્ટીમેટ અને નાણાં ફાળવણીનું આયોજન કરાયું નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૦: કચ્છ જીલ્લાને વધારાનું એક મીલીયન એકર ફીટ પાણી માટે ગુજરાત સરકાર દ્વારા ૭ વર્ષના વિલંબ બાદ વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. પરંતુ હજુ તો માત્ર વહીવટી મંજુરી છે ત્યારે સરકારની નીતિ અને નિયત શું છે તે સામે સવાલો કરતાં કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વી.કે. હુંબલે સરકારને કામના નક્કર આયોજન અંગે સ્પષ્ટતા કરવા માંગ કરી છે. કારણ કે કચ્છને આ વધારાના પાણી માટે કુલ્લ ૭ લીંક મારફતે કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણા, લખપત, અબડાસા તેમજ બન્ની વિસ્તાર સુધી પાણી પહોચાડવાના હતા પરંતુ આ સરકારે અત્યાર સુધી માત્ર ૪ લીનકને મંજુરી આપેલ છે જે પૈકી બે લીંકને તો અધુરી મંજુરી અપાયેલ છે. ત્યારે આ ૪ લીંકની વહીવટી મંજુરી મળે તો પણ નખત્રાણા. લખપત, અબડાસા તેમજ બન્ની વિસ્તાર સુધી પાણી પહોચશે નહિ, જેનું મુખ્ય કારણ આ સરકારે જે કામોની અત્યારે વહીવટી મંજુરી આપેલ છે તેથી માત્ર ૫૦% નો જ હિસ્સો પ્રાપ્ત થશે. છેવાડાનો વિસ્તાર બન્ની લખપત, અબડાસા, નખત્રાણા સરહદનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારને પાણી પહોચે તે માટે સરકારે કોઈ ચિંતા કરેલ નથી.

સરકારે વહીવટી મંજુરી તો આપી પરંતુ સરકારની નિયત બરાબર નહિ હોય, તો હજુ પણ એક વર્ષ પહેલા કામ શરૂ થઈ શકે તેમ નથી. જેનું મુખ્ય કારણ આ સરકારે આ ૪ લીંક માટેના માત્ર અંદાજીત રકમની જ વહીવટી મંજુરી અપાયેલ છે. અત્યાર સુધી કોઈ ડીટેલ એસ્ટીમેટ જ બનેલ નથી ત્યારે એસ્ટીમેટ તેમજ ડીઝાઈન બનાવવામાં પણ સમય લાગશે. તેમજ જે વિસ્તારમાંથી વધારાના પાણી માટે કેનાલ કે પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવશે તે વિસ્તારની ખેડૂતોની જમીન પણ સંપાદન અથવા વપરાશી હક્ક માટે વળતર ચુકવવાની પણ વાત આવશે જે માટે સરકારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી જ કરેલ નથી. જેને લઈને પણ વિલંબ થવાની શકયતાઓ છે. જેથી સરકારે માત્ર વહીવટી મંજુરી નહિ પણ તેની સાફ નિયતથી તાત્કાલિક ધોરણે પ્લાન એસ્ટીમેન્ટ બનાવે. જરૂરિયાત મુજબ જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવે.

તેમજ કચ્છને ખરેખર ન્યાય આપવો હોય તો બાકીની ૩ લીંકને તાત્કાલિક ધોરણે વહીવટી મંજુરી આપવામાં આવે. અને અત્યારે જે વહીવટી મંજુરી અપાયેલ છે તેને પણ તાત્કાલિક ધોરણે નાણા ફાળવવામાં આવે. તો જ સાર્થક ગણાશે. કચ્છને સતત અન્યાય કરતી આ સરકાર ઉપર હજુ પણ લોકોને ભરોસો નથી અને અને કચ્છના કિસાન સંઘ, સંસ્થાઓ તેમજ કચ્છ કોંગ્રેસ પક્ષની સતત રજૂઆત બાદ સરકારને વહીવટી મંજુરી આપવાની ફરજ પડી છે. જેથી કચ્છના લોકો અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વધારાના પાણીની યોજનામાં જે વિસ્તારનો સમાવેશ થયેલ છે તેવા તમામ વિસ્તારો સુધી પાણી પહોચે તે માટે બાકી રહેતી ૩ લીંકો માટે પણ વહેલી તકે વહીવટી મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે અને આના માટે કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ સાંસદશ્રી અને ગુજરાત રાજયના અધ્યક્ષશ્રી તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા જે તેમના મતવિસ્તારમાં પાણી પહોચે અને અબડાસા વિસ્તારનો વિકાસ થાય તેવા કારણો સાથે કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયેલ છે ત્યારે આ સરકાર વધારાના પાણી માટે કયારે વહીવટી મંજુરી આપશે જે તેમની સરકાર ઉપર દબાણ લાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

દુધઈ સબકેનાલ જે રુદ્રમાતા સુધી જવાની છે જે માટે ત્યાના લોકોની ખુલ્લી કેનાલ મારફતે પાણી પહોચાડવાની રજૂઆત છે અને તો જ બન્ની જળાશય યોજના સાકાર થાય અને સરહદી વિસ્તારને લાભ થાય પરંતુ આ સરકારની નિયત બન્ની સુધી પાણી પહોચે તેવી નથી તેના માટે દુધઈ સબ કેનાલને મંજુરી આપવામાં આવતી નથી જે માટે જે વિસ્તારના ધારાસભ્ય અને રાજયના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સરકાર ઉપર દબાણ લાવી અને આ યોજનાને પણ તાત્કાલિક મંજુરી અપાવવી જોઈએ કારણ કે દુધઈથી આગળ સિચાઈ વિભાગ દ્વારા ખુલ્લી કેનાલથી પાણી લઇ જવું કે પાઈપલાઈન મારફતે લઇ જવું તે જ નક્કી નથી થતું પણ લોકોની માંગણી મુજબ ખુલ્લી કેનાલ મારફતે કુનરિયા સુધી પાણી પહોચવું જોઈએ.

(10:10 am IST)