Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પૂ.ભવ્યમુનિજી મ.સા.ની ગુણાનુવાદ સભા સંપન્ન

ગોંડલ સંપ્રદાયના ગુરૂ ભગવંત પૂ.રાજેશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સંથારા આરાધક : પાલખીયાત્રામાં જૈન-જૈનતરો જોડાયા : મોટામવા અંતિમધામ ખાતે અંત્યેષ્ઠી કરાઇ

રાજકોટ,તા.૨૦:  ઋષભદેવ સંઘની પાવન ભુમિ ઉપર ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સા.ના સુશિષ્ય પૂ.ભવ્ય મુનિ મ.સાહેબે અનશન વ્રત - સંથારો અંગીકાર કરેલ ગઇકાલે તા.૧૯ના તેઓનો સંથારો સમાધિ ભાવે સીજયો હતો.

ગોંડલ સંપ્રદાય, અજરામર સંપ્રદાય, ગોંડલ સંઘાણી સંપ્રદાય, બોટાદ સંપ્રદાય,દરિયાપુરી સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંતો એવમ્ પૂ.મહાસતિજીઓએ અનશન આરાધક આત્માની ઋષભદેવ સંઘમાં પધારી શાતા પૂછી સાધુવાદ પાઠવેલ.

ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ, રાજકોટના વિવિધ સંઘોના અગ્રણીઓ, ગોંડલ,જુનાગઢ,જામનગર, જેતપુર, કાલાવડ, પડધરી, ગઢડા,બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામજોધપુર, ઢસા, લાઠી સહિતના ગામોથી હજારો ભાવિકો દર્શન કરી ધન્ય બનેલ. અસંખ્ય આત્માઓ અનશન આરાધક પૂ.ભવ્યમુનિજી મ.સા.શ્રીમુખેથી નાના - મોટા પચ્ચખાણ અંગીકાર કરી સંથારાની અજોડ અનુમોદના કરેલ.

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,પૂર્વ કેન્દ્રીય પ્રધાનો,સંસદ સભ્યો,ધારા સભ્યો,રાજકોટના રાજવી પરિવાર,પોલીસ અધિકારીઓ, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સહિત રાજકોટના પ્રથમ નાગરીકથી લઇને વિવિધ સંસ્થાઓ સહિત અઢારે આલમના ભાવિકોએ અનશન આરાધક આત્માના દર્શન - વંદન કરી ધન્યતા અનુભવેલ.

ગોં.સં.ના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સા.ના સુશિષ્ય પૂ.ભવ્યમુનિ મ.સાહેબે રાજકોટ શ્રી ઋષભદેવ સંઘની પુણ્ય ભૂમિ ઉપર અનશન વ્રતની આરાધના કરી પોતાનું આત્મ કલ્યાણ કરી જિન શાસનને ગૌરવ અપાવ્યું. વિ સં.૨૦૭૭ નું ચાતુર્માસ રાજકોટ ઋષભાનન સંઘ (નાગેશ્વર, જામનગર રોડ) ખાતે પૂ.ભવ્યમુનિજી મ. સા.એવમ્ પૂ.હર્ષમુનિજી મ.સા.નું તા.૧૯/૧૧/૨૦૨૧ ના પરિપૂર્ણ થયું. બંને સંતો તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ઋષભદેવ સંઘમાં પધાર્યા. પૂજય ભવ્યમુનિ મ.સા.નું આરોગ્ય થોડા સમયથી બરોબર રહેતું ન હતું.યુરિન વગેરેમાં તકલીફ થતી. 'પૂ.ગુરુદેવ રાજેશમુનિ સમક્ષ પૂ.ભવ્યમુનિજીએ પોતાના ભાવો વ્યકત કર્યા કે મારે હવે અંતિમ સમયની આરાધના કરી આત્મ કલ્યાણ કરવું છે. મને આલોચના,પ્રાયશ્ચિત,સંલેખના વગેરે કરાવી અનંતી કૃપા વરસાવો.' પૂ.ગુરુદેવની આજ્ઞાથી ૨૨/૧૧/૨૦૨૧ થી તેઓશ્રીએ ઉપવાસ તપની આરાધના શરૂ કરી. એક,બે કરતાં તા.૨૨/૧૨/૨૦૨૧ ના ૩૦ ઉપવાસ પૂર્ણ થયા. અત્રે નોંધનીય છે કે ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ તથા રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓ ,૨૧/૧૨/૨૦૨૧ ના રોજ ઋષભદેવ ઉપાશ્રયે જઈ તપસ્વી પૂ.ભવ્યમુનિજી મ.સા.ના તપની શાતા પૂછેલ.

તા. ૨૨ના રોજ પૂ.ભવ્યમુનિજીએ પૂ.ગુરુદેવ સમક્ષ પૂનઃભાવ વ્યકત કર્યા કે હે ગુરુ ભગવંત હવે મને સંથારો કરાવી કૃપા વરસાવો...કૃપા વરસાવો. પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે ૨૨/૧૨/૨૦૨૧ ના પૂ.ભવ્યમુનિ મ.સા.ની ભાવનાનો સ્વીકાર કરી સંથારાના પચ્ચખાણ કરાવેલ. શ્રી ઋષભદેવ સંઘ ખાતે તા.૨૬/૧૨/૨૦૨૧ ના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સાહેબે પ્રવચન દરમ્યાન ચતુર્વિધ સંઘને માહિતગાર કર્યા. પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.,પૂ.હર્ષમુનિજી મ.સા.,પૂ.રત્નેશમુનિજી મ.સા.તથા પૂ.તત્વજ્ઞમુનિજી મ.સાહેબે અગ્લાન ભાવે અનશન આરાધક આત્માની અજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ. શ્રી ઋષભદેવ સંઘ (રાજકોટ)ના સંઘ સેવકોની સેવા પ્રશંસનીય રહેલ.

ત્રણ દાયકા પૂર્વે રાજકોટની પાવન ભુમિ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે વિરાણી પૌષધ શાળામાં દેવોને પણ દૂર્લભ એવો કરેમિ ભંતેનો પાઠ પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ના શ્રીમુખેથી ભણી સંયમ ધર્મ અંગીકાર કરેલ.

પંચમ કાળમાં સંયમના ભાવ થવા પણ કઠિન છે,ત્યારે દોશી પરિવારમાંથી આવતાં અને ધર્મના રંગે રંગાયેલ એવા હળુ કર્મી આ આત્માએ સરકારી નોકરીને એક જ ઝાટકે તિલાંજલિ આપી ૪૨ વર્ષની વયે તીર્થકર પરમાત્માનો ત્યાગ માર્ગ અંગીકાર કરેલ.રત્નકુક્ષિણી માતા રેવાકુંવરબેન અને ધર્મ પરાયણ પિતા અમૃતલાલ દોશી પરિવારને આંગણે તેઓનો જન્મ થયેલ.

ભરતભાઈ દોશી (પૂ.ભવ્યમુનિ મ.સા.)નું મુળ વતન પાતા મેઘપર છે.કાલાવડ તેઓની કર્મ ભૂમિ છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તા.૩૦/૬/૧૯૯૧ ના દિવસે રાજકોટની ધન્ય ધરા ઉપર પૂ.ભવ્ય મુનિ મ.સા.ની દીક્ષા એકદમ સાદાઈથી છતાં ગરીમા એવમ્ ગૌરવ પૂર્ણ માહોલમાં ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયેલ.આઠ - આઠ દિવસ સંયમની અનુમોદનાર્થે અનેકવિધ તપ - ત્યાગના રૂડા આયોજન થયેલ.

સંયમ અંગીકાર કર્યાબાદ પૂ.ભવ્યમુનિજી મ.સાહેબે જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞામય જીવન બનાવ્યું. તેઓશ્રીએ અનેક નાની - મોટી તપ સાધના કરેલી છે. બે વખત સોળથી વધારે ઉપવાસ તપની આરાધના કરેલી છે.કંઠ પણ તેઓનો મધુર. વેદના તને હો મારી વંદના આ સ્તવન તેઓ જયારે સંભળાવતા હોય ત્યારે વાતાવરણ વૈરાગ્યમય બની જાય છે.પ્રવચન - જિનવાણી પણ સરળ શૈલીમાં સુંદર રીતે સૌને સમજાય તેમ ફરમાવતા.

પૂ.ભવ્યમુનિજી મ.સા.ની દીક્ષાબાદ થોડા વર્ષો પછી તેઓના ધર્મ પત્નિ પણ પતિ અને પરમાત્માના પગલે ચાલ્યા.પૂજય ભવ્યમુનિજી મ.સા.એવમ્ પૂ.રશ્મિતાજી મ.સ.બંને આત્માઓ સંયમ માર્ગને શોભાવી આત્મ કલ્યાણ કરી રહ્યાં છે.તેઓની ભાણેજી પૂ.અર્પિતાજી મ.સ.એ પણ સંયમ ધર્મનો સ્વીકાર કરેલો છે.

ત્રીશ વર્ષના સંયમ પર્યાયમાં કયારેય પણ પૂ.ભવ્યમુનિજી મ.સાહેબે દિવાલનો ટેકો લીધો નથી. સંથારામાં પણ તેઓનો સમતા,સમાધિભાવ જબરદસ્ત હતો.ખરેખર, પૂ.ભવ્યમુનિજી મ.સાહેબે મરણને પંડિત મરણ અને મૃત્યુને મહોત્સવ બનાવ્યું.

પૂ.ભવ્યમુનિજીની પાલખી યાત્રામાં જય જય નંદા, જય જય ભદ્રાના નાદ સાથે જૈન જૈનતરો જોડાયા હતા. પૂ.શ્રીની અંત્યેષ્ઠી નાના મવા અંતિમધામ ખાતે કરવામાં આવી હતી. પૂ.શ્રીના સંથારા દરમિયાન અનેક ભાવિકોએ નાના -મોટા પચ્ચખાણ ગ્રહણ કરેલ.

આજે શાશ્વત એપાર્ટમેન્ટ ખાતે સંથારા આરાધક પ.પૂ.ભવ્યમુનિજી મ.સા.ની ગુણાનુવાદ સભા પૂ.રાજેશમુનિ મ.સા. તથા સંત-સતીજીઓની નિશ્રામાં સંપન્ન થયેલ.

(10:44 am IST)