Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરેન્દ્રનગરનાં રતનપરમાં વ્યાજે લીધેલી ૧ કરોડની રકમ સામે અઢી કરોડની જમીન પચાવી લેતા પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ

૨ નિવૃત પોલીસ અધિકારીના પુત્રો સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦ : સુરેન્દ્રનગરનાં રતનપર વિસ્તારમાં રહેતા પ્રૌઢે પાંચ શખ્સો પાસેથી અંદાજે ૧ કરોડ રૂ.જેટલી રકમ વ્યાજે લીધા હતા આ વ્યાજ ખોરોએ બે-અઢી કરોડની ખેતીની જમીન પચાવી પાડી ત્રાસ ગુજારવાનું શરૂ કરતા પ્રૌઢે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.આ મામલે પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.

રતનપરનાં પરબ ચોક વિસ્તારમાં રહેતા હરેશભાઈ કરશનભાઈ મોરસીયા નામના પ્રૌઢે જયમીન લાભુભાઈ જેસડીયા, વિરેન્દ્ર લાભુભાઈ જેસડીયા, વિપીન હિંમતભાઈ પટેલ, પ્રવિણ હિંમતભાઈ ભદ્રેશીવાળા અને સુરતના જીજ્ઞોશ પટેલ નામના શખ્સો પાસેથી રૂ.૧ કરોડ વ્યાજે લીધા હોવાનું જાણવા મળેલ છે. હરેશભાઈના કહેવા મુજબ નાણાની ઉઘરાણી કરી જે ચેક આપેલો તે જમા કરી નાણા ઉપાડી લેવા ઉપરાંત જીજ્ઞોશભાઈ સુરતવાળાએ તેમના મકાનનો દસ્તાવેજ કરાવી લીધો હતો.

બાદમાં મકાનનો દસ્તાવેજ છોડાવવા જમીનનો દસ્તાવેજ કરાવયો હતો માળોદગામની સીમમાં આવેલ આશરે રૂ. બે થી અઢી કરોડની ખેતીની જમીનનો દસ્તાવેજ વ્યાજખોરોએ એમના નામે કરાવી, એન.એ.કરાવી પ્લોટીંગ પણ કર્યુ હોવાનું હરેશભાઈ જણાવે છે આ વ્યાજખોરો પરિવારને હેરાન પરેશાન કરતા હોવાનું પણ તેઓ જણાવે છે જેમાં રીટાયર્ડ પોલીસ અધિકારીના બે પુત્રો પણ સામેલ છે હોસ્પીટલના બિછાને સારવાર લઈ રહેલા હરેશભાઈ મોરસીયા કહે છે કે, મે આ પાંચેયના નામ સાથે ચિઠ્ઠી લખી છે જે પોલીસ લઈ ગઈ છે. જો મને કંઈ થશે તો આ પાંચેય જવાબદાર રહેશે એમ તેમણે કહ્યુ છે.

(11:06 am IST)