Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હળવદના ટીકર પંથકમાં નર્મદાનું પાણી મીઠાનાં અગરમાં ફરી વળતા અગરીયાઓની મહેનત પાણીમાં

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૦ : તાલુકાના ટીકર રણમાં મીઠું પકવતા અગરિયાઓને પોતાના અગરમાં નર્મદા કેનાલના બકનળીના ધસમસતા પ્રવાહો ફરી વળતા અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને આખા વર્ષની કમાણી નર્મદાના પાણીમાં વહી જતા રોષે ભરાયેલા અગરિયાઓએ હળવદ નર્મદા નિગમની ઓફિસમાં ડેરાતંબુ તાણી ન્યાય મેળવવા લડત આપવા નક્કી કર્યું છે.

હળવદના ટીકર રણ વિસ્તારમાં કીડી સહિતના ગામોમાં મીઠાના અગર બનાવી અગરિયાઓ દ્વારા મીઠું પકાવવાની પ્રવૃત્ત્િ। કરવામાં આવે છે પરંતુ છેલ્લા વર્ષોમાં અહીં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી મેળવતા ખેડૂતો દ્વારા બકનળીથી પોતાના ખેતરે પાણી પહોંચાડ્યા બાદ આવી બકનળી કાઢવામાં ન આવતા નર્મદા કેનાલના ધસમસતા પ્રવાહો છેકે અગરિયાઓને મીઠાના અગરમાં દ્યુસી જતા તૈયાર મીઠું ઓગળી જવા પામ્યું છે.

વધુમાં માત્રને માત્ર અંતરિયાળ વનવગડામાં મીઠું પકાવવાની કામગીરી થકી રોજગારી મેળવતા અગરિયાઓ દ્વારા દેવા-કરજ કરીને મીઠાના અગર તૈયાર કરવામાં આવતા હોય છે અને હવે મીઠું પણ પાકીને તૈયાર થયું છે તેવા સમયે મોં સુધી આવેલો કોળિયો નર્મદા નિગમના અધિકારીઓ અને ખેડૂતોને કારણે છીનવાઈ જતા અગરિયા પરિવારો રોષે ભરાયા છે.

વધુમાં આ ગંભીર બેદરકારી મામલે અગરિયા હિતોની રક્ષા કરતા આગેવાનો પણ ક્રોધિત બન્યા છે અને હવે આખા વરસની અગરિયાઓની મહેનત અને કામની ઉપર પાણી ફરી વળતા હળવદ ખાતે આવેલી નર્મદા નિગમની ઓફિસ ખાતે ડેરાતંબુ તાણી અગરિયા સમાજ બાળ બચ્ચા સાથે લડત આપવા તૈયારી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(1:17 pm IST)