Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન જૂનાગઢ ખાતે સફાઇ કર્મચારીઓના મહોલ્લાની મુલાકાત લીધી

જૂનાગઢ તા.૨૦: જિલ્લાની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેનશ્રી એમ.વેંકટેશને આજે જૂનાગઢ ખાતે સફાઇ કર્મચારીઓના મહોલ્લાની મુલાકાત લીધી. જૂનાગઢ શહેરની ગોધાવાવની પાટી વિસ્તારમાં વાલ્મીકી સમાજના ૭ હજારથી વધુ લોકોનો વસવાટ છે.

શ્રી વેંકટેશને ગોધાવાવની પાટી ખાતે ૨ કલાક જેટલુ રોકાઇને સફાઇ કર્મચારીઓના પ્રશ્નો-રજૂઆતો સાંભળવા સાથે ચાલીને સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે અહીં સફાઇ કર્મી બહેનોની રજૂઆતો પણ સાંભળી હતી.

સફાઇ કર્મીઓને મળતુ વેતન, આવાસ સુવિધા,લઘુત્ત્।મ વેતન, મેડિકલ રજા,કોન્ટ્રાકટ પ્રથા,સફાઇ કર્મીઓની નિયમિત આરોગ્ય ચકાસણી ઉપરાંત બાળકોના શિક્ષણ અંગે માહિતગાર થઇ હકારાત્મક અભિગમ સાથે સફાઇ કર્મીઓના પ્રશ્નો-રજૂઆતોનું નિરાકરણ કરાશે તેમ આયોગના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું. ગોધાવાવની પાટી ખાતે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ,કોર્પોરેટર ગીતાબેન પરમાર,શ્રીમોહનભાઇ પરમારસહિતના આગેવાનો ચેરમેનશ્રી એમ.વેંકટેશનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.

મહોલ્લાની મુલાકાત બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોગના ચેરમેનશ્રી એમ.વેંકટેશના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સફાઇ કર્મીઓ ઉપરાંત તેમના પ્રતિનિધિઓએ સિવિલ હોસ્પિટલ, કોર્પોરેશન, વિવિધ નગરપાલિકા વિસ્તારોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત સફાઇ કર્મીઓને ફરજ દરમિયાન કોઇ મુશ્કેલીઓ જણાય તો તેનું નિરાકરણ કરવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, મ્યુ.કમિશનર આર.એમ.તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, અધિક નિવાસી કલેકટરશ્રી એલ. બી. બાંભણિયા, જિલ્લા પછાત વર્ગ કલ્યાણના અધિકારીશ્રી મકવાણા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.સુશીલ કુમાર,નાયબ જિલ્લા પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપરાંત વાલ્મીકી સમાજના આગેવાનો મોહનભાઇ પરમાર,પ્રેમજીભાઇ પરમાર,વાલભાઇ આમહેડા, દિનેશભાઇ ચુડાસમા,સી.ડી.પરમાર સહિત સફાઇ કર્મચારીઓ ઉપસ્થિત રહી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.

(12:48 pm IST)